કેશોદ પોલીસ દ્વારા તહેવારોને અનુલક્ષીને શાંતિ સમિતિની મીટીંગ યોજવામાં આવી

આગામી ગણેશોત્સવ, ત્રાગડશા બાપુની જગ્યાએ યોજાતા મેળાના અનુસંધાને કાયદો અને વ્યવસ્થા જાળવવા કરાઈ ચર્ચા

કેશોદ શહેર અને તાલુકામાં આગામી દિવસોમાં આવી રહેલા ગણેશોત્સવ, કેશોદ નજીક રાણેકપરા ખાતે આવેલ સુપ્રસિદ્ધ ત્રાગડશા બાપુની જગ્યાએ યોજાતો પરંપરાગત લોકમેળો અને વાઘાવાડી ખાતે રામદેવપીરના મંડપ નિમિત્તે યોજાતા લોકમેળાને લઈને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી કેશોદ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. કેશોદના ઈન્ચાર્જ ડીવાયએસપી હિતેશ ધાંધલિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં કેશોદ પીઆઈ. એમ.ડી. ચૌધરી, પીએસઆઈ. જે.આર. વાજા, કે.એમ. વાઢેર તથા શહેરના હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો, શાંતિ સમિતિના સભ્યો, ગણેશ મંડળોના આયોજકો, વેપારી એસોસિએશનના પ્રતિનિધિઓ અને નગર શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ડીવાયએસપી હિતેશ ધાંધલિયાના ગણેશોત્સવ દરમિયાન ડીજે પર લાગણી દુભાઈ એવા ગીત ના વગાડવા, શકય હોય ત્યાં સીસીટીવી કેમેરા લગાવવા સુચના આપવામાં આવી હતી. આ ઉપરાંત તહેવારો અને મેળા દરમિયાન કોઈ અશાંતિ કે અફવા ન ફેલાય તે માટે સોશિયલ મીડિયા પર નજર રાખવા સૂચનાઓ આપી વાતાવરણ ડહોળાઇ એવી ટીપ્પણી કરવામાં આવે તો કેશોદ પોલીસ સ્ટેશન કંટ્રોલરૂમને જાણ કરવા જણાવી, કોમી એકતા અને ભાઈચારો જળવાઈ રહે તે માટે બંને સમાજના આગેવાનોએ સહકાર આપવા અપીલ કરી હતી. ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ વધુમાં જણાવ્યું હતું કે, “તહેવારો એ સૌના છે અને શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે આપણી સૌની જવાબદારી છે. પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે, પરંતુ શાંતિ સમિતિના તમામ સદસ્યો અને આગેવાનો પદાધિકારીઓ શહેરીજનો નો સહકાર અત્યંત જરૂરી છે. બેઠકમાં ત્રાગડશા બાપુની જગ્યાએ અને રામદેવપીરના મેળા દરમિયાન ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે પાર્કિંગ વ્યવસ્થા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ