રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પાલિતાણામાં

વિશ્વપ્રસિદ્ધ જૈન તીર્થધામ પાલિતાણા ખાતે આવેલ સુણતર ભુવનમાં આયોજિત પવિત્ર જૈન ચાતુર્માસ દરમિયાન ગુજરાત રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વિશેષ હાજરી આપી હતી. ચાતુર્માસના આ પાવન પ્રસંગે ગૃહ મંત્રીશ્રીએ ધર્મલાભ લઈ ધન્યતા અનુભવી હતી.
પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી પ્રબોધચંદ્રસૂરિ મહારાજ સાહેબની પાવન નિશ્રામાં ચાલી રહેલા આ ચાતુર્માસ મહોત્સવમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પૂજ્ય આચાર્ય ભગવંતના દર્શન કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે સુણતર ભુવન ખાતે ઉપસ્થિત અન્ય સાધુ-સાધ્વીજી ભગવંતોના પણ દર્શન કર્યા હતા અને ત્યાં ઉપાસના કરી રહેલા તમામ આરાધકો તથા શ્રાવક-શ્રાવિકાઓનું અભિવાદન ઝીલ્યું હતું.
પાલિતાણા પહોંચતા જ સ્થાનિક અગ્રણીઓ અને જૈન સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા ગૃહ મંત્રીશ્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પૂજ્ય આચાર્ય ભગવંત સાથેની મુલાકાત દરમિયાન રાજ્યની શાંતિ, સુખ અને સમૃદ્ધિ માટે સત્સંગ તથા ધર્મચર્ચા યોજાઈ હતી. ગૃહ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે પાલિતાણાની પવિત્ર ભૂમિ પર ચાતુર્માસ જેવા મહાન પર્વમાં સાધુ ભગવંતોના આશીર્વાદ મેળવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થવું એ અત્યંત ગૌરવ અને આધ્યાત્મિક શાંતિ આપનારી ક્ષણ છે. આ પ્રસંગે સ્થાનિક ધાર્મિક અગ્રણીઓ, રાજકીય નેતાઓ અને મોટી સંખ્યામાં જૈન શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે સુણતર ભુવનના ટ્રસ્ટીઓ અને સમિતિના સભ્યો દ્વારા ગૃહ મંત્રી હર્ષ સંઘવીનું બહુમાન કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ