પીએમ મોદીના જન્મ દિને સોમનાથમાં ધાર્મિક, સામાજિક, આધુનિક પ્રકલ્પોનો આરંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ : સોમનાથ યાત્રા એપનું લોકાર્પણ : 134 વૃદ્ધાશ્રમોમાં વસ્ત્ર પ્રસાદનું વિતરણ

સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 76માં જન્મદિવસના શુભ અવસરે સોમનાથ તીર્થ ખાતે અનેકવિધ ધાર્મિક, સામાજિક અને આધુનિક આયોજનો કરવામાં આવ્યા હતા. આ ગૌરવપૂર્ણ ક્ષણે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી શ્રી સોમનાથ મંદિરમાં જોડાયા હતા. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ’સૌના નાથ સોમનાથ’ ના પવિત્ર ધ્યેયમંત્રને ચરિતાર્થ કરતા આ આયોજનો થકી સમાજના દરેક વર્ગના ભક્તોને આધુનિક ભેટ આપવામાં આવી હતી.
ઈકો-ફ્રેન્ડલી અને રિયુઝેબલ પ્રસાદ પેકેજિંગ:
માન.મુખ્યમંત્રીશ્રીના હસ્તે શ્રી સોમનાથ મંદિરના ઈકો-ફ્રેન્ડલી અને રિયુઝેબલ પ્રસાદ પેકેજિંગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પર્યાવરણના રક્ષણ માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન (ગઈંઉ) અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (ૠઙઈઇ) ના સંયુક્ત સહયોગથી પ્રસાદ માટે આકર્ષક કાર્ડબોર્ડ અને મેટલ બોક્સ તૈયાર કરવામાં આવ્યા છે. મગસના લાડુને ખુલ્લા રાખવાના બદલે દરેક લાડુનું ઇન્ડિવિડ્યુઅલ (વ્યક્તિગત) પેકિંગ કરાયું છે, જેથી તેની શેલ્ફ લાઇફ વધશે. આ બોક્સનો ભક્તો ઘરમાં સ્મૃતિ ચિહ્ન તરીકે પુન: ઉપયોગ કરી શકશે.
“સોમનાથ યાત્રા”
મોબાઈલ એપ:
દેશ-વિદેશના શ્રદ્ધાળુઓની યાત્રાને સુલભ બનાવવા સોમનાથ યાત્રા એપનું નવું વર્ઝન માન. મુખ્યમંત્રીશ્રીના હસ્તે લોન્ચ કરાયું હતું. જેમાં દર્શનાર્થીઓને રૂમ બુકિંગ,પૂજા નોંધણી, વિશ્વના કોઈપણ ખૂણેથી લાઈવ દર્શન, ડિજિટલ દાન, અને ઘરઆંગણે મહાદેવનો પ્રસાદ તથા વસ્ત્ર પ્રસાદ મંગાવવાની વન-સ્ટોપ સુવિધા ઉપલબ્ધ થશે.
વસ્ત્ર પ્રસાદનું રાજ્યવ્યાપી વિતરણ:
માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા ઓનલાઈન માધ્યમથી રાજ્યભરના 29 જિલ્લાના 134 વૃદ્ધાશ્રમોમાં 10,000 વસ્ત્રો અને પ્રસાદ અર્પણ કરવાના કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અગાઉના વર્ષોમાં ટ્રસ્ટ દ્વારા 7,500 વડીલો, 10,111 વનવાસી ભાઈ-બહેનો અને 4,500 ઋષિકુમારો મળીને કુલ 22,111 લોકોને આ વસ્ત્ર પ્રસાદ અપાયો હતો, જેમાં હવે વધુ 10,000 વડીલો ઉમેરાયા છે. જેથી લાભાર્થી આંક 32,111 થયો છે. શ્રી સોમનાથ મંદિર ખાતે ટ્રસ્ટીશ્રી જે.ડી.પરમાર તેમજ જિલ્લા કલેકટર શ્રી જીતેન્દ્રસિંહ વાઘેલા, ટ્રસ્ટના જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા, નિવાસી અધિક કેલક્ટર શ્રી રાજેશ આલ, પ્રાંત અધિકારી શ્રી જે.વી.કાકડિયા સહિતના મહાનુભાવો દ્વારા વડીલોને વસ્ત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ