રાણાવાવ નજીક રાત્રે વોકિંગમાં નીકળેલા મિત્રોને કાર ચાલકે ઠોકર મારતા એકનું થયું મોત

બીજો મિત્ર પણ ઘાયલ થતાં સારવારમાં ખસેડવામાં આવ્યો:મૃતકના પિતાએ અજાણ્યા કારચાલક સામે નોંધાવ્યો ગુન્હો

રાણાવાવ નજીક હાઇવે પર રાત્રે વોકિંગમાં નીકળેલા યુવાનો ને કારચાલક ઠોકર મારીને નાસી છૂટતા એકનું મોત થયું છે જ્યારે બીજાને ઇજા થઈ છે.
પોરબંદરના રાણાવાવમાં સ્ટેશન પ્લોટ વિસ્તાર ખાતે રહેતા અને ફેબ્રિકેશનનું કામ કરી ગુજરાન ચલાવતા નરેન્દ્રભાઈ નાથાભાઈ સોલંકી દ્વારા રાણાવાવ પોલીસ મથકમાં એવી ફરિયાદ નોંધાવવામાં આવી છે કે 15 સપ્ટેમ્બરે રાત્રે ઘરે હાજર હતા ત્યારે તેના પાડોશી નિલેશભાઈએ જણાવ્યું હતું કે તમારા દીકરા કિશન નો અકસ્માત થયો છે. જેથી તેઓ તાત્કાલિક પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલ ખાતે આવ્યા હતા. ત્યાં તપાસ કરતા તેમનો 20 વર્ષનો દીકરો કિશન બેભાન હતો. અને તેના મિત્ર કરણને પણ ઇજા થઈ હતી. મિત્રોને પૂછતા એવું જણાવ્યું હતું કે રાત્રે દસેક વાગ્યે તેઓ રાણાવાવ થી ટોલનાકા તરફ જતા રસ્તે વોકિંગમાં તથા નાસ્તો કરવા માટે નીકળ્યા હતા. અને ભૂલથી 100 મીટર આગળ ચાલીને જતા હતા એ દરમિયાન પાછળથી કાળા રંગની કારના ચાલકે બે ફિકરાઇથી કાર ચલાવીને કિશન અને કરણને ઠોકર મારીને ફંગોળી દીધા હતા. કાર ચાલકને રોકવાનો તેની સાથે રહેલા અન્ય મિત્રો એ પ્રયત્ન કર્યો હતો પરંતુ તે નાસી ગયો હતો. તેના સાથી મિત્રો લક્ષ્મણે 108 ને ફોન કરતા એમ્બ્યુલન્સમાં ભાવસિંહજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાંથી કિશનની હાલત ગંભીર હોવાથી જામનગર લઈ જવાનું કહેવામાં આવ્યું હતું. જેથી તેને ખાનગી એમ્બ્યુલન્સમાં જામનગર લઈ ગયા હતા ત્યાં તારીખ 17 સપ્ટેમ્બરના કિશન નું મોત થયું હતું. ત્યાં પોસ્ટ મોર્ટમ કરાવ્યા બાદ અંતિમવિધિ કરવામાં આવી હતી અને ત્યારબાદ પિતા નરેન્દ્રભાઈ સોલંકી એ અજાણ્યા કાર ચાલક સામે ગુનો દાખલ કરાવ્યો છે.

રિલેટેડ ન્યૂઝ