ભાદરવો ભરપુર: મહુવામાં ચાર, ગોંડલમાં સાડા ત્રણ ઇંચ વરસાદ

રવિવારે સૌરાષ્ટ્ર-ક્ચ્છ પર વિજળીના કડાકા-ભડાકા સાથે મેઘો મહેરબાન: ગોંડલમાં અનરાધાર વરસાદથી જળબંબાકાર : તાલાલા, સાવરકુંડલા, પ્રભાસ પાટણ, ડોળાસા, માણાવદર, વંથલી, જુનાગઢ, વેરાવળમાં બે-બે ઇંચ વરસાદ : અમરેલી-જાફરાબાદના કોસ્ટલ બેલ્ટમાં ધોધમાર વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા : નદી-ડેમમાં નવા નીરની આવકથી ખેડુતોમાં ખુશીનો માહોલ

રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં રવિવારે મેઘરાજાએ તોફાની બેટીંગ કરી હતી. મહુવામાં મુશળધાર ચાર ઇંચ અને ગોંડલમાં વિજળીના કડાકા ભડાકા સાથે સાડા ત્રણ ઇંચ વરસાદ વરસતા જળબંબોળની સ્થિતિ સર્જાઇ હતી. જયારે અમરેલી-જાફરાબાદના કોસ્ટલ બેલ્ટમાં ધોધમાર વરસાદથી ખેતરો પાણી-પાણી થયા હતા. તાલાલા, સાવરકુંડલા, પ્રભાસ પાટણ, જુનાગઢ, ડોળાસા, માણાવદર, વંથલી, વેરાવળમાં બે-બે ઇંચ વરસાદ પડતા નદીઓમાં નવા નીરની આવક થઇ હતી. નદી અને ડેમમાં નવા નીરની આવક થતા ખેડુતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગમી ચાર દિવસમાં ચોમાસુ વિદાય લેશે તેવી આગાહી કર્યા બાદ રાજ્યનો મેઘરાજાએ ઘમરોળવાનું શરૂ કર્યુ છે. રવિવારે રાજ્યના 73 તાલુકામાં ઝાપટાથી લઈને સવા ચાર ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.
રાજકોટ શહેરમાં સવારે સુર્યનારાયણના આકરા તાપ સાથે બપોરના સમયે લોકોએ અસહ્ય ગરમી અને બફારાનો અહેસાસ કર્યો હતો. બપોરે બે વાગ્યા બાદ શહેરના આકાશમાં કાળા ઢિબાંગ વાદળો આવ્યા હતા. અને જોરદાર ઝાપટું વરસાવ્યું હતું. જે બાદ સાંજે સાત વાગ્યાના અરસામાં વિજળીના કડાકા-ભડાકા અને ભારે પવન સાથે વરસ્યો હતો. શહેરના સેન્ટ્રલ ઝોનમાં સૌૈથી વધારે વરસાદ વરસ્યો હતો. સાંજે 7 થી 8 વાગ્યાના અરસામાં સેન્ટ્રલ ઝોનમાં પોણો ઈંચ તો ઈસ્ટ અને વેસ્ટ ઝોન અડધો ઈંચ વરસાદ વરસ્યો છે.
જામનગર
રાજ્યના હવામાન ખાતા દ્વારા જામનગર સહિત જિલ્લાઓ માં વરસાદ આગાહી કરવામાં આવી હતી દરમિયાન.જામનગર શહેર જિલ્લા માં ઝાપટા થી પોણો ઈંચ જેટલો વરસાદ થયો છે. હજુ પણ લોકો સંતોષકારક વરસાદની રાહ જોઈ રહ્યા છે.
જામનગરમાં આજે અચાનક વાતાવરણ પલટાયું હતું અને વરસાદ થયો હતો. આજે સાંજે 8 વાગ્યા સુધીમાં , જોડીયામાં 12, મીમી ધ્રોલમાં 20 મીમી, કાલાવડમાં પાંચ મીમી , લાલપુરમાં 14 મીમી વરસાદ થયો છે. આ પછી સાંજે 7:30 વાગ્યા પછી જામનગરમાં પણ વીજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ શરૂ થયો હતો જોકે દસેક મિનિટમાં જ વરસાદ રોકાઈ જતા રોડ ઉપર પાણી હાલતા થયા હતા આ ઉપરાંત શનિવારે અમુક ગામડામાં પણ વરસાદના વાવડ છે. જેમાં જામવાડીમાં 20 મીમી વરસાદ થયો છે. વરસાદ થતાં વાતાવરણમાં ઠંડા પ્રસરી હતી જો કે હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે આથી લોકો સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે.
ગોંડલ
ગોંડલ શહેર અને પંથકમાં રવિવારે સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વિજળી નાં કડાકા ભડાકા સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. સાંજના સમયે જોરદાર ઝાપટાં સ્વરૂપે શરૂ થયેલા વરસાદે થોડી જ વારમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા આશરે સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ઉકળાટ બાદ વરસાદ તૂટી પડ્યો, લોકો નહાવા ઉમટી પડ્યા હતા. રવિવારની રજાનો દિવસ હોવાથી ગરમીથી ત્રસ્ત શહેરીજનો વરસાદી વાતાવરણની મજા માણવા અને વરસાદમાં નહાવા માટે રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. ધોધમાર વરસાદને પગલે શહેરના રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા હતા. ખાસ કરીને ગોંડલના હાર્દસમા કોલેજ ચોક, જેલ ચોક, નાની-મોટી બજાર, ગુંદાળા દરવાજા અને માંડવી ચોક વિસ્તારમાં ગોઠણસમા પાણી ભરાઈ ગયા હતા. રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. શહેરના લાલપુલ અને ઉમવાડા રેલવે અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાઈ જતા બંને અંડરબ્રિજ ’સ્વિમિંગ પૂલ’માં ફેરવાઈ ગયા હતા. દર ચોમાસે સર્જાતી આ સમસ્યાના કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો. ઠેર-ઠેર જળભરાવ અને લોકોની મુશ્કેલી વધતા પાલિકા તંત્ર દ્વારા પાણીના નિકાલની કામગીરી માટે કામે લાગ્યું હતું. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારા વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદના પગલે આશાપુરા ડેમ ઓવરફલો થતા ડેમસાઇટ પર નગરજનો ઉમટી પડયા હતા.
અમરેલી
અમરેલી શહેર સહિત સમગ્ર જિલ્લામાં આજે રવિવારે મેઘરાજાએ મન મૂકીને વરસવાનું શરૂ કરતાં અનેક પંથકોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. બગસરા, લાઠી, લીલીયા, બાબરા, કુંકાવાવ, સાવરકુંડલા, રાજુલા અને જાફરાબાદ સહિતના વિસ્તારોમાં વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાંથી વરસાદી પાણીના વહેણ શરૂ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. બગસરા શહેર ઉપરાંત ઘંટીયાળ અને માણેકવાડા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. બગસરા પંથકમાં અંદાજે એક ઇંચ જેટલો વરસાદ ખાબકતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી વહેવા લાગ્યું હતું. બીજી તરફ સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ મહેર કરી હતી. ઘોબા, પીપરડી, શેલણા અને મોટા ભમોદ્રા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડતાં ખેતરોમાંથી પાણી વહેવા લાગ્યા હતા. અમરેલી તાલુકાના ચિતલ તેમજ વડિયા તાલુકાના રામપુર-તોરી ગામમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો હતો. બાબરા પંથકના સુખપુર અને ખંભાળા ગામે વરસાદ પડ્યો હતો. ધારી અને ચલાલા પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. રાજુલા તાલુકાના દાતરડી ગામમાં ધોધમાર વરસાદ પડ્યો હતો, જ્યારે જાફરાબાદના બાબરકોટ સહિતના ગામોમાં પણ સારો વરસાદ વરસ્યો હતો. લાઠી શહેર અને દામનગર પંથકમાં સતત બીજા દિવસે મેઘમહેર યથાવત રહી હતી. લાઠી શહેરમાં ઘોઘમાર વરસાદ શરૂ થતાં રસ્તાઓ પર પાણીના પ્રવાહ જોવા મળ્યા હતા. દામનગર, ઠાંસા, ધુફણીયા, કેરાળા અને દુધાળા સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. દામનગર નજીકના મેમદા અને આંબરડી ગામમાં પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. સતત વરસાદને પગલે ગ્રામ્ય પંથકમાં ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી હતી. લીલીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઘોઘમાર વરસાદ શરૂ થયો હતો. નાના કણકોટ સહિતના ગામોમાં સારો વરસાદ પડ્યો હતો. અમરેલીના દેવભૂમિ દેવળીયા ગામમાં પણ ધોધમાર વરસાદ ખાબકતાં ખેતરોમાં પાણી વહેવા લાગ્યા હતા. ખેતરોના વોકળાઓમાં પાણીના વહેણ જોવા મળતાં ગ્રામ્ય પંથકમાં વરસાદના જીવંત દ્રશ્યો સામે આવ્યા હતા. જાફરાબાદના કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં પણ વરસાદ પડ્યો હતો. જાફરાબાદ શહેરની બજારોમાં વરસાદી પાણી વહેવા લાગતાં રસ્તાઓ પર પાણીના પ્રવાહ જોવા મળ્યા હતા. કોસ્ટલ બેલ્ટમાં વરસાદના કારણે વાતાવરણ ઠંડુગાર બન્યું હતું. દરમિયાન કુંકાવાવ તાલુકામાં પણ મેઘરાજાએ ધોધમાર વરસાદ વરસાવ્યો હતો. કુંકાવાવ શહેરમાં ભારે વરસાદને પગલે અનેક સ્થળોએ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. ખાસ કરીને બસસ્ટેન્ડ વિસ્તારમાં ગોઠણડૂબ જેટલું વરસાદી પાણી ભરાતાં લોકો અને વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રોડના કામ દરમિયાન પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે વરસાદી પાણી ભરાયાની ચર્ચા વચ્ચે તંત્ર દ્વારા પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કુંકાવાવના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદથી ખેતરોના કાંઠે પાણી વહેવા લાગ્યા હતા. સમગ્ર અમરેલી જિલ્લામાં સતત વરસાદી માહોલ સર્જાતાં ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. ખાસ કરીને મગફળી, કપાસ, સોયાબીન સહિતના વિવિધ ખેતીપાકો માટે હાલનો વરસાદ ફાયદાકારક બની રહેવાની આશા ખેડૂતોમાં જાગી છે.
ભાવનગર
ભાવનગર જિલ્લાના મહુવામાં રવિવારે ધોધમાર વરસાદ પડતા ચાર ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ હતી. માલણ ડેમ ફરી ઓવરફ્લો થતાં તેના પાણી છોડાતા 10 ગામોને એલર્ટ જાહેર કર્યા હતા.
ભાવનગર જિલ્લામાં રવિવારે વિવિધ તાલુકાઓમાં પલટાયેલા હવામાન વચ્ચે મેઘરાજાએ પધરામણી કરી હતી. ખાસ કરીને મહુવા અને તળાજા પંથકમાં મેઘરાજાની ખાસ મહેર જોવા મળી હતી, જ્યારે જિલ્લાના અન્ય તાલુકાઓમાં આખો દિવસ ઘનઘોર વાદળો વચ્ચે શાંતિ જળવાઈ રહી હતી. રવિવારે સવારથી સાંજના ચાર વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન મહુવા તાલુકામાં મુસળધાર વરસાદ વરસ્યો હતો. મેઘરાજાએ સાંબેલાધાર બેટિંગ કરતાં અંદાજે 4 ઈંચથી વધુ (105 મીમી) વરસાદ ખાબકી ગયો હતો. આજના ધોધમાર વરસાદ સાથે જ મહુવા તાલુકામાં ચાલુ મોસમનો કુલ વરસાદ 924 મીમી એ પહોંચી ગયો છે, જે સમગ્ર ભાવનગર જિલ્લામાં મોસમનો સૌથી વધુ વરસાદ છે. ઉપરવાસ અને મહુવામાં પડેલા ભારે વરસાદને કારણે માલણ ડેમમાં વિપુલ પ્રમાણમાં નવા પાણીની આવક થઈ છે. ડેમની જળસપાટી ભયજનક સ્તરે પહોંચતા તંત્ર દ્વારા નદીમાં પાણી છોડવાનો નિર્ણય લેવાયો હતો. માલણ નદીના પટમાં પાણી છોડાતાં નદી બે કાંઠે વહેતી થઈ છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને તંત્ર દ્વારા નદીકાંઠાના મહુવાના 10 નીચાણવાળા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને ગ્રામજનોને નદીના પટમાં ન જવાની કડક સૂચના આપવામાં આવી છે. મહુવા ઉપરાંત આજુબાજુના તાલુકાઓમાં પણ વરસાદી માહોલ રહ્યો હતો. તળાજા તાલુકામાં 15 મીમી, ઉમરાળામાં 9 મીમી અને ગારિયાધાર તાલુકામાં 5 મીમી વરસાદ નોંધાયો હતો. બીજી તરફ ભાવનગર શહેર, વલ્લભીપુર, ઘોઘા, સિહોર, પાલિયાતાણા અને જેસર તાલુકામાં સાંજે 4 વાગ્યા સુધી વરસાદ નોંધાયો ન હતો, પરંતુ વાદળછાયું વાતાવરણ જળવાઈ રહ્યું હતું.
જાફરાબાદ
જાફરાબાદ શહેરમાં રવિવારે કડાકા-ભડાકા સાથે દોઢ કલાકમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે બાબરકોટ, મીતીયાળા, વાંઢ, પીપળીકાંઠા, વાપડીયા સહિત આજુબાજુના ગામડામાં ધીમી ગતિએ સારો વરસાદ પડતા ખેડૂતોમાં હર્ષની લાગણી જોવા મળી છે. દરિયા કિનારે વરસાદ થતાં ખેડૂતોમાં હર્ષની લાગણી છે.
સાવરકુંડલા
સાવરકુંડલા શહેર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ યથાવત્ જોવા મળી રહ્યો છે. રવિવારે બપોર બાદ ભારે બફારા બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સાવરકુંડલાના ઘોબા, પીપરડી, મોટા ભમોદરા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. મોટા ભમોદરા ગામે મેલડી માતાના મંદિર પાસે વરસાદી પાણીના પ્રવાહને કારણે પુર જેવી સ્થિતિ સર્જાઈ હતી. તેમજ ભમોદરા વિસ્તારમાં અનરાધાર વરસાદ વરસતા ખેતરોમાંથી પાણી છલકાઈ ગયા હતા. સાવરકુંડલા તાલુકામાં બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. સતત ત્રણ દિવસથી વરસાદ વરસતા પાછોતરા કપાસ, મગફળી સહિતના પાકોને ફાયદો થઈ રહ્યો છે. વરસાદના કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
તાલાલા
તાલાલા પંથકમાં સવારથી શરૂ થયેલ ગરમી અને બફારા બાદ બપોરે ત્રણ વાગ્યા આસપાસ ગાજવીજ સાથે મુશળધાર વરસાદ તુટી પડયો હતો. માધુપુર ગીર,આંકોલવાડી ગીર,ધાવા ગીર,બોરવાવ ગીર,મોરૂકા ગીર,ચિત્રાવડ ગીર,આંબળાશ ગીર અને ધણેજ વિસ્તારના અનેક ગામોમાં મુશળધાર એકથી બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.આજના વરસાદ થી અનેક ગામોના નદી-નાળામાં નવા નીર વહેતા થયા હતા.તાલાલા પંથકમાં વરસાદની અછત વચ્ચે સાર્વત્રિક કાચાં સોના જેવો એક થી બે ઈંચ વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે.આજના વરસાદથી મગફળી,સોયાબીન વિગેરે ખરીફ પાકને મબલખ ફાયદો થયો છે.
જેતપુર
જેતપુરમાં મેઘરાજાએ લાંબા સમય સુધી રાહ જોવડાવ્યા બાદ રવિવારે બપોરે વીજળીના કડાકા ભડાકા સાથે ચાર વાગ્યે એન્ટ્રી કરી છે આશરે એકાદ કલાક સુધી સાંબેલા ધારે વરસાદ પડ્યો છે.
વિરપુર
યાત્રાધામ વીરપુરમાં રવિવારે સવારથી અસહ્ય ઉકળાટ અને બફારા બાદ બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન સાથે કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થતાં સમગ્ર વીરપુર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા લોકો અને ખેડૂતોમાં વરસાદના આગમનથી ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. રોડ-રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા હતા. વીરપુર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોએ વાવેતર કરેલા કપાસ, મગફળી, સોયાબીન સહિતના પાક માટે આ વરસાદ આશીર્વાદરૂપ બન્યો છે. પાકને હાલ પાણીની જરૂરિયાત વચ્ચે મેઘરાજાએ ધોધમાર વરસાદ વરસાવતા ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી હતી. વરસાદને ખેડૂતો ‘કાચું સોનું’ ગણાવી રહ્યા છે. મગફળી સોાયબીનના પાકને ફાયદો થવાની આશા ખેડુતોએ વ્યક્ત કરી હતી.
પ્રભાસ પાટણ
સોમનાથ વિસ્તારમાં રવિવારે બપોરે 4 વાગ્યાના અરસામાં પવન સાથે અચાનક ધોધમાર વરસાદ તુટી પડયો હતો અને એકાદ કલાક ધોધમાર વરસાદ વરસેલ જેથી ચારે બાજુ પાણી પાણી થયેલ અને આ વરસાદ ચોમાસા ના પ્રથમ વરસાદ બાદ ધોધમાર વરસાદ વરસેલ અને ખેતરો ની બહાર પાણી નીકળેલ એકાદ કલાક મા 2 ઈંચ થી વધુ વરસાદ વરસ્યો છે. નાવદ્રા સહિત ના ગામો મા વહેલુ પાકતુ મગફળી નુ 39 નંબર ની મગફળી પાકી ગયેલ તેને કાઢવામાં આવેલ જેના પાથળા પલળી ગયા પરંતુ મગફળ ના પાથરા પલળવા ના બનાવો અમુક જગ્યા એ બનેલ છે.
પ્રાંચી તીર્થ
યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે આજે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. બપોર બાદ આકાશમાં વાદળો ઘેરાયા બાદ ભારે પવન સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. અચાનક શરૂ થયેલા વરસાદથી પ્રાચી તીર્થ સહિત આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ છવાઈ ગયો હતો. વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા માર્ગો પર પાણી વહેતા થયા હતા. લાંબા સમય બાદ ફરી વરસાદી માહોલ સર્જાતા સ્થાનિક લોકો તેમજ વેપારીઓમાં પણ રાહતની લાગણી જોવા મળી હતી. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા ગરમીથી લોકોને રાહત મળી હતી.
વંથલી
વંથલી તાલુકા સહિત સમગ્ર ગ્રામ્ય પંથકમાં આજે હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. સવારથી જ અસહ્ય ગરમી અને બફારાથી લોકો આકુળ-વ્યાકુળ બની ગયા હતા, ત્યારબાદ બપોર પછી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વીજળીના કડાકા-ભડકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. સાંજના 6 વાગ્યા સુધીમાં તાલુકામાં અંદાજે બે ઇંચ જેટલો નોંધપાત્ર વરસાદ ખાબકી ગયો હતો. અચાનક આવેલા આ વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો તેમજ ગ્રામ્ય પંથકના ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા.
માણાવદર
માણાવદર પંથકમાં અનેક લાંબા સમય બાદ ભારે વરસાદ પડતા ઊભા પાક ને જીવત દાન મળ્યું છે વરસાદ ના અભાવે દુષ્કાળ ના ડાકલા વાગી રહ્યા હતા પણ ઉપરવાળા એ માનવ જિંદગી બચાવવા મૂંગા પશુ પક્ષીઓ સામે જોયું હોય તેમ આજે અનરાધાર વરસાદ વરસ્યો હતો અંદાજે બે થી 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.
ડોળાસા
ડોળાસા વિસ્તારમાં તારીખ બાર સપ્ટેમ્બર થી મેઘકૃપા વરસી રહી છે. રવિવારે પણ બપોર ના સાડા ત્રણ થી સાડા ચાર વાગ્યા સુધી ધોધમાર વરસાદ પડ્યો હતો આ દરમ્યાન 52 મી.મી.( બે ઇંચ ) વરસાદ નોંધ્યો છે. ડોળાસા ની ચંદ્રભાગા નદી મા પાણી નો પ્રવાહ વધ્યો છે તો ખેતરોમાં પાણી ભર્યા છે.
જુનાગઢ
જુનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. વિરામ બાદ શરૂ થયેલા વરસાદને કારણે જુનાગઢ અને આસપાસના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને ગિરનાર પર્વત અને ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને કારણે ડુંગર પરના ઝરણા નદીના જેમ વહેવા લાગ્યા હતા. અને થોડા સમય માટે નદી-નાળાઓમાં અચાનક પાણીનો પ્રવાહ ભયજનક રીતે વધી ગયો હતો. ત્યારે જંગલ વિસ્તારમાં 40 જેટલા લોકો ફસાયા હોવાના તથા મુચકુંદ ગુફા પાસે એક બાઇક તણાયું હોવાના સમાચારો મળી રહ્યા છે. તે સાથે જૂનાગઢમાં બે કલાકમાં અઢી ઈંચ અને માણાવદરમાં 3 ઇંચ સહિત માળિયા અને મેંદરડા સિવાય જિલ્લામાં સાર્વતિક વરસાદના વાવડ મળી રહ્યા છે. આ અચાનક આવી પડેલ વરસાદે ગિરનાર અને દાતાર દાતાર જંગલમાં હેત વરસાવી દેતા ઝરણા અને નદીઓમાં પાણીના તીવ્ર વહેણને કારણે રસ્તાઓ બંધ થઈ જતાં ગિરનારના ઘેરા જંગલ વિસ્તારમાં ફરવા ગયેલા 40 થી વધુ પ્રવાસીઓ ફસાઈ ગયાના તથા પ્રવાસીઓને સુરક્ષિત સ્થળે અટવાયા છે, જેમને બહાર કાઢવા માટે તંત્ર દ્વારા રેસ્ક્યૂ કામગીરીની તૈયારીઓ આરંભી દેવામાં આવી હોવાના અહેવાલો મળી રહ્યા છે. આ સાથે ભવનાથ શ્રેત્રમાં મુચકુંદ ગુફા પાસેથી એક બાઇક પાણીમાં તણાઈ ગયું હોવાના વીડિયો વાયરલ થયા છે, તો બીજી તરફ, સાંજે 4 થી 6 વાગ્યા સુધીના માત્ર બે જ કલાકના ટૂંકા સમયગાળામાં અઢી ઇંચથી વધુ વરસાદ થઈ જતા નીચાણવાળા અમુક વિસ્તારોમાં પાણી ભરાયા હતા, શહેરના તળાવ દરવાજા સહિતના અનેક મુખ્ય માર્ગો પર પાણીની રેલમછેલ હતી, આ સાથે રવિવારનો દિવસ અને મેઘો મન મૂકીને વરસી પડતા શહેરીજનો મોટી સંખ્યામાં ભવનાથનો મેઘાવી માહોલ માણવા પહોંચી જતા, હાલમાં ભવનાથના રસ્તાઓ પાણીની સાથે ટ્રાફિકથી ઉભરાય રહ્યા છે.
જુનનાગઢમાં ધસમસતા પાણીમાં 40 દર્શનાર્થી ફસાયા
જુનાગઢના ગિરનાર જંગલ વિસ્તારમાં પડેલા ભારે વરસાદના કારણે આત્મેશ્વર મહાદેવ મંદિરના માર્ગ પર પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો હતો. ઇન્દ્રેશ્વર નજીક જંગલમાં આવેલા મંદિરે દર્શનાર્થે ગયેલા બાળકો સહીત 40 થી વધુ લોકો પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા હતા. વન વિભાગ અને ફાયર બિગ્રેડની ટીમ ઘટના સ્થળે દોડી જઇ તમામનું રેસ્કયુ કર્યું હતું.

વડાળા ગીરમાં વીજળી પડતા પશુપાલક ખેડૂતનું મોત
તાલાલા પંથકમાં ભારે ગરમી અને ઉકળાટ બાદ છેવાડાનાં વિસ્તારમાં બપોર બાદ ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો.મુશળધાર વરસાદ વચ્ચે લોકોને ભયભીત કરી નાખે તેવી આકાશમાં વીજળી સાથે કડાકા ભડાકા શરૂ થયા હતા.થોડીવારમાં આ અવકાશી વીજળી વડાળા ગીર ગામની સીમમાં ગેબનશા પીરની દરગાહ પાસે પશુ ચરાવતા પશુપાલક ખેડૂત કેસરભાઈ ઈબ્રાહીમભાઇ સમા ઉ.વ.46 ઉપર પડતા તેમનું ઘટના સ્થળે મરણ થયું હતું.આ બનાવની જાણ થતાં ગામ લોકો બનાવના સ્થળે દોડી જઈ કેસરભાઈને ગામમાં લાવેલ.. ત્યારબાદ વડાળા ગીરના સરપંચ જુસબભાઈ મજગુલ તથા જાવંત્રી ગીર ગામના સરપંચ અલ્તાફભાઈ બ્લોચે 108 મારફત કેસરભાઈને તાલાલા લાવેલ ત્યાં ફરજ પરના તબીબે તેમને મૃત્યુ પામેલ જાહેર કર્યા હતાં.કેસરભાઈ ને સંતાનમાં બે પુત્રો છે.આ બનાવથી વડાળા ગીર ગામમાં ભારે અરેરાટી પ્રસરી ગઈ હતી…તાલુકા વિકાસ અધિકારી રિઝવાનભાઈ કોંઢીયા એ તલાટી કમ મંત્રી પાસેથી જરૂરી વિગતો એકત્ર કરી નાયબ જીલ્લા વિકાસ અધિકારી(મહેસૂલ વિભાગ)ને અવકાશી વિજળી પડવાનાં બનાવની વિગતો સાથેનો અહેવાલ મોકલ્યો છે.
ભારે પવનથી શાપુરમાં ઓઈલમીલની ચીમની તુટી
વંથલી તાલુકાના શાપુર ખાતે આવેલી માવજી હરિભાઈ ઓઇલ કેક ઇન્ડસ્ટ્રીઝમાં બપોરે અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ ભારે પવન અને વરસાદ સાથે વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી. બપોરે આશરે 3:52 કલાકે સુસવાટા મારતા પવનના કારણે પ્લાન્ટમાં આવેલી વિશાળ લોખંડની ચીમની અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. ચીમની તૂટી પડતાં જ મિલમાં સ્થિત ઇલેક્ટ્રિક પેનલ રૂમ તેમજ અનેક કોપર કેબલો કચડાઈ જતાં ભારે નુકસાન પહોંચ્યું હતું. સદનસીબે, આ દૂર્ઘટનામાં કોઈ કર્મચારી કે શ્રમિકને ઈજા પહોંચી નથી કે કોઈ જાનહાની થઈ નથી.

ગોંડલમાં ખેડૂતોના સંમેલનમાં વરસાદથી બચવા ખેડુતોએ માથે ખુરશીઓ ઓઢી
ગોંડલના ભાદર ડેમ ખાતે સિંચાઈના પાણીના પ્રશ્ને ખેડૂતોનું એક મહત્ત્વપૂર્ણ સંમેલન યોજવામાં આવ્યું હતું. જોકે, કાર્યક્રમ હજુ શરૂ જ થઈ રહ્યો હતો અને ખેડૂતો તેમજ આગેવાનો એકઠા થઈ રહ્યા હતા, ત્યાં જ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને મેઘરાજાએ ’દે ધનાધન’ બેટિંગ શરૂ કરી દીધી હતી. અચાનક તૂટી પડેલા ધોધમાર વરસાદને કારણે સભાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકોએ વરસાદથી બચવા માટે બેસવાની ખુરશીઓને જ છત્રી બનાવી પોતાના માથા પર મૂકવા મજબૂર બન્યા હતા. અનેક લોકો વરસાદથી બચવા માથા પર ખુરશીઓ રાખીને મંડપ નીચે ઊભા રહ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ