હાડકાના રોગ- અકસ્માતના દર્દીઓને રાજકોટ-જુનાગઢના ધક્કાથી રાહત
ધોરાજીની સિવિલ હોસ્પિટલમાં લાંબા સમયથી ખાલી રહેલી નિષ્ણાત તબીબોની જગ્યાઓ ભરવાની માંગ વચ્ચે હવે ઓર્થોપેડિક સર્જનની પણ નિમણૂક કરવામાં આવી છે. ધોરાજી સિવિલ હોસ્પિટલમાં મિલાપ ભાલોડિયાની ઓર્થોપેડિક સર્જન તરીકે નિમણૂક થતાં સ્થાનિક દર્દીઓને મોટી રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ધોરાજી સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાત તબીબોની કેટલીક જગ્યાઓ લાંબા સમયથી ખાલી હોવાના મુદ્દે ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા દ્વારા ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી તેમજ મુખ્યમંત્રીને પત્ર લખી નિષ્ણાત તબીબોની તાત્કાલિક નિમણૂક કરવાની માંગ કરવામાં આવી હતી. ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં બાળરોગ નિષ્ણાત અને રેડિયોલોજિસ્ટ સહિતના તબીબોની નિમણૂક કરવામાં આવી હતી.જોકે ઓર્થોપેડિક સર્જનની જગ્યા હજુ ખાલી રહેતા લલિત વસોયા દ્વારા આ મુદ્દે તંત્ર સમક્ષ રજૂઆત કરી અને નિમણૂક નહીં થાય તો આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી હતી. ત્યારબાદ હવે તંત્ર દ્વારા ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક સર્જનની નિમણૂક કરવામાં આવી છે.આ અંગે લલિત વસોયાએ જણાવ્યું હતું કે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક સર્જન ન હોવાના કારણે હાડકાંને લગતી બીમારી ધરાવતા દર્દીઓ તેમજ અકસ્માતમાં ઈજાગ્રસ્ત લોકોને વધુ સારવાર માટે રાજકોટ અને જૂનાગઢ રિફર કરવા પડતા હતા. હવે ઓર્થોપેડિક સર્જનની નિમણૂક થતાં આવા દર્દીઓને ધોરાજી ખાતે જ નિષ્ણાત તબીબી સેવા મળી શકશે અને બહારના શહેરોના ધક્કામાંથી રાહત મળશે તેવી આશા છે.ધોરાજી સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. જયેશ વસેટીયાના જણાવ્યા મુજબ, હાલમાં સિવિલ હોસ્પિટલમાં એમ.બી.બી.એસ. તબીબ ઉપરાંત ઓર્થોપેડિક, દંતચિકિત્સક, ગાયનેક, બાળરોગ નિષ્ણાત, સ્કિન નિષ્ણાત, એમ.ડી. તથા ઓર્થોપેડિક સર્જન સહિતના તબીબોની સેવાઓ ઉપલબ્ધ બની છે. અધિક્ષક ડો. જયેશ વસેટીયાના જણાવ્યા મુજબ, ધોરાજી ઉપરાંત આસપાસના ગામોના લોકોને પણ વિવિધ નિષ્ણાત તબીબોની સેવા હવે ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે જ મળી શકશે.ધોરાજી સિવિલ હોસ્પિટલમાં વિવિધ વિભાગો કાર્યરત બનતા મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. હોસ્પિટલ તંત્રના જણાવ્યા મુજબ હાલમાં દરરોજ એક હજારથી વધુ દર્દીઓ વિવિધ તબીબી સેવાઓનો લાભ લઈ રહ્યા છે.નિષ્ણાત તબીબોની નિમણૂક અને હોસ્પિટલમાં વધતી સુવિધાઓને પગલે ધોરાજી તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોના દર્દીઓને સ્થાનિક સ્તરે વધુ સારી તબીબી સેવા ઉપલબ્ધ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ધોરાજી સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર જયેશ વસેટીયન ની કામગીરીને ધોરાજી શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશ વોરા નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન જગદીશ રાખોલીયા ધોરાજીના વરિષ્ઠ ધારાશાસ્ત્રી અરવિંદભાઈ કાપડિયા ખેડૂત આગેવાન જયેશ લાખાણી અને ધર્મેશ ભાઈ રાજ્યગુરુ સલીમભાઈ મોગલ સહિત ના એ બિરદાવી હતી
