મોડી રાતે અનિરૂધ્ધસિંહના ઘર અને વાડીઓમાં દરોડા: હાઇવે ઉપર સઘન ચેકિંગ
ગોંડલ તાલુકાના સડક પીપળીયા ગામે દેવીપૂજક પરીવારના સભ્યો પર જીવલેણ હુમલો કરી પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાના પૌત્ર ધ્રુવરાજસિંહ દ્વારા હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવતા સમગ્ર ગ્રામ્ય પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. ઘટના બાદ રૂરલ પોલીસ એક્શન મોડમાં આવી છે. ગત મોડી રાત્રે રીબડા પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. ડીવાયએસપી શ્રીજીતા પટેલના નેતૃત્વ હેઠળ એલસીબી, એસઓજી અને ગોંડલ ડિવિઝનના 70 થી વધુ પોલીસમેનો દ્વારા અનિરુદ્ધસિંહ જાડેજાના ઘર સહીત અનેક સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસે વાડી વિસ્તાર અને હાઇવે પર સઘન ચેકીંગ ઝુંબેશ હાથ ધરી ફરાર આરોપી ધ્રુવરાજસિંહની શોધખોળ આદરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ રવિવાર રાત્રે ગોંડલ તાલુકાના સડક પીપળીયા ગામની સીમમાં દેવીપૂજક પરીવારના સભ્યો પર જીવેલણ હુમલો કરવામાં આવ્યો હતો. ગોંડલના પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાના પૌત્ર અને અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજા ધ્રુવરાજસિંહ જાડેજાએ મોડી રાત્રે સડક પીપળીયા ગામની સીમમાં હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરી ફક્ત ખેતરમાં બકરા ચરાવવાનો ખાર રાખી દેવીપૂજક પરિવાર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં મૂકબધીર યુવાનને બેફામ માર મારી હત્યાની કોશિશ કરવામાં આવી હતી. જેના કારણે સમગ્ર પંથકમાં ભયનો માહોલ વ્યાપ્યો હતો. બનાવની જાણ થતાં રૂરલ એસપી વિજયસિંહ ગુર્જર સહિતના અધિકારીઓ દોડી ગયા હતા.બનાવ અંગે તાલુકા પોલીસે હત્યાની કોશિશ, આર્મ્સ એક્ટ અને રાયોટ સહીતની કલમો હેઠળ પૂર્વ ધારાસભ્યના પૌત્ર ધ્રુવરાજસિંહ સહીત છ શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. રૂરલ પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાને રાખી તાત્કાલિક સગીર સહીત પાંચ શખ્સોની ધરપકડ કરી લીધી હતી. જયારે મુખ્ય આરોપી ધ્રુવરાજસિંહ ફરાર થઇ જવામાં સફળ રહ્યો હતો.
ફરાર ધ્રુવરાજસિંહ ને સત્વરે પકડી પાડવા રેન્જ ડીઆઈજી નિર્લિપ્ત રાય અને જિલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ ગોંડલ ડિવિઝનના ઇન્ચાર્જ ડીવાયએસપી શ્રીજીતા પટેલના નેતૃત્વ હેઠળ ગત રાત્રિના મોટું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં એલસીબી, એસઓજી ગોંડલ ડિવિઝનના પોલીસની અલગ-અલગ સ્પેશિયલ ટીમો મળી 70 થી વધુ પોલીસ જવાનોને સાથે રાખી સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
પોલીસ ટીમો દ્વારા રિબડા અને સડક પીપળીયા વિસ્તારમાં આવેલા અનેક ઘરો, ખેતરો અને વાડી વિસ્તારોમાં મોડી રાતથી જ સઘન કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે. આરોપીઓ આસપાસના કોઈ ફાર્મ હાઉસ કે વાડી વિસ્તારમાં છુપાયા હોવાની આશંકાને પગલે દરેક સંભવિત સ્થળો ખૂંદી વળવામાં આવી રહ્યા છે. આ ઓપરેશન દરમિયાન અનિરુદ્ધસિંહ જાડેજાના નિવાસસ્થાન તથા વાડી માં પણ પોલીસે કડક સુરક્ષા વચ્ચે દરોડા પાડી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
સમગ્ર બનાવમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ જાતે સમગ્ર ઓપરેશન પર નજર રાખી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, આ ગુનામાં પોલીસે કરણ સુનિયા બામણીયા (રહે.વરજર ગામ, અલીરાજપુર), અરમાન મયુદ્દીન હોથી (રહે.સર્વોદય સોસાયટી શાપર), સમીર કાસમ વિસળ (રહે.હડમતીયા ભેસાણ), સુરેશ ઉર્ફે સજુભા રવજીભાઈ ઝાલા (રહે. ગુંજાલા તા. દેત્રોજ) અને એક બહુચરાજીના સગીરની ની પોલીસે ધરપકડ કરી છે. જ્યારે મુખ્ય સૂત્રધા ધ્રુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (રહે.રીબડા) હજું પણ પોલીસ પકડથી દૂર છે.
જયા સુધી આરોપી ન પકડાય ત્યાં સુધી દરોડાનો દોર યથાવત રહેશે : એસપી વિજયસિંહ ગુર્જર
સમગ્ર બનાવની ગંભીરતાને ધ્યાને રાખી રેન્જ વડા નિર્લિપ્ત રાય અને જિલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર પોતે જ મામલાનું સુપરવિઝન કરી રહ્યા છે. એસપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, ફાયરિંગ અને હત્યાની કોશિશના ગુનામાં સગીર સહીત પાંચ શખ્સોને પકડી લેવામાં આવ્યા છે. જયારે મુખ્ય સૂત્રધાર ધ્રુવરાજસિંહ જાડેજા ફરાર છે ત્યારે તેને સત્વરે પકડી લેવા ગત રાત્રિના રીબડામાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જયા સુધી આરોપી ધ્રુવરાજસિંહ ન પકડાય ત્યાં સુધી દરોડાનો દોર યથાવત રાખવામાં આવશે.
