ગઢડામાં યુવક પર જીવલેણ હુમલાના કેસમાં ત્રણ આરોપીઓ ઝડપાયા

પોલીસે ઘટનાસ્થળે રિક્ધસ્ટ્રક્શન કરી હુમલામાં વપરાયેલા હથિયારો કબજે કર્યા

બોટાદ જિલ્લાના ગઢડા શહેરના જીનનાકા વિસ્તારમાં યુવક પર થયેલા જીવલેણ હુમલાના બનાવમાં ગઢડા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટનાસ્થળે રિક્ધસ્ટ્રક્શનની કાર્યવાહી કરી હતી. તેમજ પૂછપરછ દરમિયાન હુમલામાં વપરાયેલા હથિયારો કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, ગત તા. 8 ઓક્ટોબરના રોજ ગઢડાના જીનનાકા વિસ્તારમાં સામાન્ય બોલાચાલીના મુદ્દે દિપકભાઈ લખાણી નામના યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં યુવકના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે બોટાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવને પગલે ગઢડા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી હુમલામાં સંડોવાયેલા ફેઝલ, રમજાન અને ખાલિદ નામના ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.ગઢડા પોલીસ સ્ટેશનના પીઆઈ કે.એન. ચોપરા, પીએસઆઈ હેરમા અને પીએસઆઈ કંડોળીયા સહિતના પોલીસ કાફલાએ આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસ ટીમ આરોપીઓને ઘટનાસ્થળે લઈ ગઈ હતી, જ્યાં પંચનામાની કાર્યવાહી સાથે રિક્ધસ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. પૂછપરછ દરમિયાન આરોપીઓએ છુપાવેલાં હુમલામાં વપરાયેલાં હથિયારો પણ પોલીસે કબજે કર્યા હતા.રિક્ધસ્ટ્રક્શનની કાર્યવાહી દરમિયાન ઘટનાસ્થળે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકત્રિત થયા હતા. બનાવની તપાસના ભાગરૂપે પોલીસે ફરિયાદીના ઘર સામે આરોપીઓને ઉઠક-બેઠક કરાવી માફી મંગાવી હોવાની પણ માહિતી મળી છે.હાલ ગઢડા પોલીસે આ બનાવમાં જરૂરી પુરાવા એકત્ર કરવાની સાથે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ રાખી છે.

રિલેટેડ ન્યૂઝ