દારૂ પીવડાવવાના આક્ષેપે બબાલ : પોલીસ ફરિયાદ કરશો તો જાનથી મારી નાખવાની ધમકી
ખંભાળિયા શહેરના શીરુ તળાવ નજીક આવેલા શક્તિનગર વિસ્તારમાં શ્રાદ્ધ નિમિત્તે યોજાયેલા જમણવાર દરમિયાન પાડોશમાં રહેતા ચાર શખ્સોએ એક પરિવારના સભ્યો સાથે ઝઘડો કરી મારામારી કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ ઘટનામાં માતા-પિતાને ઢીકા-પાટુનો માર મારવામાં આવ્યો હતો, જ્યારે એક દિવ્યાંગ યુવતીને પથ્થરના ઘા મારવામાં આવતાં ઈજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે ખંભાળિયા પોલીસ મથકમાં ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો છે. આ સમગ્ર પ્રકરણ અંગે અહીંના શક્તિનગર વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા 26 વર્ષીય મયુરભાઈ કચરાભાઈ ધારાણીએ પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ શનિવાર તા. 10 ના રોજ તેમના ઘરે શ્રાદ્ધ નિમિત્તે જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું. પરિવારના સભ્યો અને સગાસંબંધીઓ ઘરે એકત્ર થયા હતા. દરમિયાન બપોરે આશરે પોણા બાર વાગ્યે પાડોશમાં રહેતાં ગીતાબેન માલશીભાઈ પરમાર તેમના ઘરે આવ્યાં હતા. ગીતાબેને ફરિયાદીના પિતાને પોતાના પતિને દારૂ પીવડાવતા હોવાનો આક્ષેપ કરી ઝઘડો શરૂ કર્યો હતો અને બે-ત્રણ ઝાપટ માર્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.ત્યાર બાદ પરિવારની મહિલાઓ સાથે પણ બોલાચાલી કરી અપશબ્દો બોલીને તેઓ ત્યાંથી ચાલ્યા ગયા હતા. આ ફરિયાદ અનુસાર થોડા સમય બાદ ગીતાબેન તેમના પતિ માલશીભાઈ પરમાર, મુળજીભાઈ પરમાર અને મંજુબેન કારાભાઈ પીંગળ સાથે ફરી ફરિયાદીના ઘરે આવ્યા હતા. ચારેયે ગાળાગાળી કરી હતી અને માલશીભાઈ તથા મુળજીભાઈએ ફરિયાદીના માતા-પિતાને ઢીકા-પાટુનો માર માર્યો હોવાનો આક્ષેપ છે. દરમિયાન મંજુબેને ફરિયાદીની દિવ્યાંગ બહેનને પથ્થરના ઘા મારતાં તેના કપાળ, મોઢા તથા હાથની આંગળીઓમાં ઈજાઓ પહોંચી હતી.
સગા-સંબંધીઓ વચ્ચે પડતાં મામલો થાળે પડ્યો હતો. જોકે પોલીસ ફરિયાદ કરશો તો જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનું પણ આ ફરિયાદમાં જણાવાયું છે. ઈજાગ્રસ્ત યુવતીને સારવાર માટે પ્રથમ સરકારી દવાખાને અને ત્યાર બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે મયુરભાઈ ધારાણીની ફરિયાદના આધારે ખંભાળિયા પોલીસે ગીતાબેન માલશીભાઈ પરમાર, માલશીભાઈ ગીગાભાઈ પરમાર, મુળજીભાઈ પરમાર અને મંજુબેન કારાભાઈ પીંગળ સામે ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, વધુ તપાસ હાથ ધરી છે.
