જીવલેણ હુમલો કરવા હથીયારો સાથે જતા 11 શખ્સો સામે જાહેરનામા ભંગનો ગુનો
ધોકા-પાઇપથી હુમલામાં ત્રણને ઇજા: સામસામી 25 સામે ફરીયાદ, ત્રણની ધરપકડ
ગઈકાલે સાંજના સમયે હળવદમાં લક્ષ્મીનારાયણ ચોક પાસે બાઇક અને કાર સામસામે આવી જતા બોલાચાલી થઈ હતી અને જે બાદ મારામારીનો બનાવ બનેલ હતો જેમાં ત્રણ વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા અને આ અંગે બે જૂથ વચ્ચે રીતસર અથડામણ જેવો માહોલ સર્જાયો હતો જે અંગે બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાઈ છે સાથે જ હથિયારો સાથે માથાકૂટ કરવા નીકળેલા ઇસમોને રોકવા બંદોબસ્ત માં રહેલ પોલીસે પ્રયત્ન કરતા પોલીસના હુકમનો અનાદર કરી નાસી જનાર ઇસમો વિરુદ્ધ પણ પોલીસે ગુનો નોંધ્યો છે આમ ત્રણ અલગ અલગ ગુનામાં કુલ 25 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે તેમજ પોલીસે અત્યાર સુધીમાં ત્રણ આરોપીઓ મોહમ્મદ હનીફ ભટ્ટી, આસિફ અબ્દુલ ભટ્ટી, સેજાન રજાક ભટ્ટી ની ધરપકડ કરી છે અને અન્ય આરોપીઓને પકડવા તજવીજ શરૂ કરી છે.
આ કેસમા નોંધાયેલ પ્રથમ ફરિયાદમાં ફરિયાદી દેવાભાઈ ગાંડુભાઈ સરૈયા એ નોંધાવેલ ફરિયાદ મુજબ ફરીયાદિ તથા સાહેદો પોતાની થાર ગાડી લઇને બજારમા રોડ ઉપર જતા હતા ત્યારે આ કામના આરોપી ઇમ્તીયાઝ અને સકિલ બન્ને મોટરસાયકલ લઇને સામેથી આવતા થાર ગાડીના ચાલક સામસામે આવી જતા બોલાચાલી કરતા હોય ત્યારે આ કામના આરોપી સદામ, શાહરૂખભાઇ તથા બીજા બે અજાણ્યા ઇસમોએ આવી તમામ આરોપી સાથે મળી ગેરકાયદેસર મંડળી રચી ફરીયાદિને જાહેરમા બીભત્સ ગાળોબોલી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી છે જે અંગે ભારતીય ન્યાય સહિતા-2023 ની કલમ-115(2), 296, 351(3), 189(2), મુજબ આરોપી ઇમ્તીયાઝભાઇ યુનુષભાઇ ચૌહાણ,સકિલભાઇ ઇનુષભાઇ ભટ્ટી,સદામ ઉર્ફે ભાણો મુસ્તાકભાઇ શેખ, શાહરૂખભાઇ મહેબુબભાઇ મન્સુરી તથા બીજા બે અજાણ્યા માણસો રહે. હળવદ વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.
તો સામે પક્ષે મોહસીન રાઠોડ નામના વ્યક્તિની ફરિયાદમાં જણાવ્યા મુજબ સાહેદ સદામભાઈને આરોપી સામત ભાઇ સાથે માથાકુટ થયેલ હોય જેમા ફરીયાદી તથા સાહેદો સદામભાઈને છોડાવવા ગયેલ હોય જેનો ખાર રા ખી આ કામના આરોપીઓ એકસંપ કરી ગેરકાયદેસર મંડળી રચી પોતાનો સામાન ઇરાદો પાર પાડવા પ્રાણઘાતક હથીયારો લોખંડના પાઇપ, લાકડાના ધોકાઓ ધારણ કરી હુલ્લડ કરી ફરીયાદી તથા સાહેદોને આડેધડ શરીરના ભાગે માર મારી સાહેદ શબીરભાઇને માથામા ગંભીર ઈજા કરી તેમજ રસીદભાઇને જમણા પગમા તથા ડાબી બાજુના હાથમા ફેકચરની ઇજા કરી તેમજ અફઝલભાઈને બંને પગમા તથા ડાબી બાજુના હાથમા ફેકચરની ઈજા કરી છે જે અંગે પોલીસે ભારતીય ન્યાય સંહીતા-2023 ની કલમ-115(2), 117(2), 118(2), 189(2), 191(2), 191( 3),190 તથા જી.પી.એક્ટ કલમ-135 મુજબ સામત ભરવાડ,આર .કે. સોરિયા,નિલેશ ઠાકોર, જગો ડુડી ,બાબુભાઈ અને વિજયભાઈ મશરૂભાઈ તેમજ એક અજાણ્યા ઇસમ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ બનાવ સંદર્ભે પોલીસે ફરિયાદી બની ત્રીજો ગુનો દાખલ કર્યો છે જેમાં ફરિયાદી કોન્સ્ટેબલ ભરતભાઈ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આરોપી સદામ ઉર્ફે ભાણો (રહે. રાજકોટ) વાળાએ તેની સાથેના અજાણ્યા સાતેક માણ સો તેમજ મોટર સાયકલ રજી નંબર જીજે-36 અગ 0380 માં આવેલ અજાણ્યા ત્રણ માણસો એમ બધાએ સામંત ભરવાડનુ મોત નિપજાવવા સારૂ ઉશ્કેરી પોતે તમામ માણસોએ જીવલેણ હથીયારો ધારણ કરી અમોએ તેઓને ઉભા રહેવા જાણ કરતા રોકાયેલ ન હોય અને બંદોબસ્તમાં રહેલ પોલીસના હુકમનો અનાદર કરેલ હોય તેમજ ઉપરોકત માણસોએ ગેરકાયદેસર મંડળી રચી પ્રાણ ઘાતક હથીયારો ધારણ કરી મે જીલ્લા મેજિસ્ટ્રેટના
હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યો છે જે અંગે ભારતીય ન્યાય સંહિતા સને 2023 ની કલમ-55, 103, 189(2), 189 (4) તથા જી.પી એકટ 135 મુજબ આરોપી સદામ,એક બાઇકમાં આવેલ ત્રણ અજાણ્યાં માણસો અને અન્ય સાત અજાણ્યા માણસો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે જેમાં ત્રણ આરોપીઓ મોહમ્મદ હનીફ ભટ્ટી, આસિફ અબ્દુલ ભટ્ટી, સેજાન રજાક ભટ્ટી ની ધરપકડ કરી છે અને અન્ય આરોપીઓને પકડવા તજવીજ શરૂ કરી છે.
આ માથાકૂટ બાદ પોલીસ દ્વારા શહેર ભરમાં બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો જે દરમિયાન આ માથાકૂટ ને ઉગ્ર સ્વરૂપ આપવા તેમજ એક ફરિયાદી પક્ષના સામંતભાઈ નામના વ્યક્તિને મારી નાખવાના ઉશ્કેરણીજનક વાતો કરતા બાઇક અને છકડા માં હથિયારો સાથે નીકળેલ ટોળકીને પોલીસ દ્વારા નાકાબંધી કરી રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ આ તમામ ઇસમો ભાગી છૂટ્યા હતા જેમાંથી ત્રણ ઇસમોને પોલીસે પીછો કરી ઝડપી પાડ્યા છે અને આ રીતે પોલીસની સતર્કતાથી આ બબાલમાં ગંભીર સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ અટકાવી દીધી હતી અને પ્રથમ નોરતે જ પરિસ્થિતિ તંગ બનતા અટકાવી હતી.
