આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવ: ડો.રાણા કોચ પણ છે
જામનગર સ્થિત ગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ ખાતે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે સેવા આપતા ડો. ધારા રાણા એ બેંગલુરુ ખાતે યોજાયેલી 2જી એશિયન માસ્ટર્સ સ્વિમિંગ ચેમ્પિયનશિપ 2026 પર માં 200 મીટર બટરફ્લાય સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે જામનગર અને સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે.
સ્વિમિંગ ફેડરેશન દ્વારા 4 થી 10 ઓક્ટોબર, 2026 દરમિયાન બેંગલુરુના સેન્ટર ફોર એક્સેલન્સ ખાતે આયોજિત આ સ્પર્ધામાં એશિયા અને મધ્યપૂર્વના પ3 દેશોમાંથી 25 થી 80 વર્ષથી વધુ વયના 1,300થી વધુ માસ્ટર્સ સ્વિમર્સે ભાગ લીધો હતો.
ડો. ધારા રાણા વ્યવસાયે ડેન્ટિસ્ટ અને પ્રોફેસર હોવા ઉપરાંત છેલ્લા ઘણા વર્ષોથી સ્વિમિંગ ક્ષેત્રે પણ સક્રિય છે. તેઓ નેશનલ સ્વિમર, ઓપન વોટર સ્વિમર હોવાની સાથે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા બેંગલુરુના એન.આઈ.એસ. સર્ટિફિકેટ કોર્સ દ્વારા રાષ્ટ્રીય કક્ષાના પ્રમાણિત સ્વિમિંગ કોચ તરીકે પણ વિશિષ્ટ ઓળખ ધરાવે છે. તેમણે આ અગાઉ પણ અનેક રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે, જેમાં એ.આઈ.સી.એસ. 2023 અને 2025માં સિલ્વર તથા બ્રોન્ઝ મેડલ મેળવવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, નેશનલ સી સ્વિમિંગ ચેમ્પિયનશિપ 2026માં 5 કિલોમીટર ઓપન-વોટર દરિયાઈ સ્વિમિંગની ઓપન એજ વુમન કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ હાંસલ કરીને તેમણે પોતાની અદ્ભુત પ્રતિભા અને શારીરિક શક્તિનો પરિચય આપ્યો હતો. ડો. ધારા રાણા નિયમિતપણે જામનગર મહાનગરપાલિકા ના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સ્વિમિંગનો અભ્યાસ અને કઠોર તાલીમ મેળવે છે. પોતાની રમત પ્રત્યેની નિષ્ઠાની સાથે તેઓ જામનગરની દીકરીઓને વિવિધ સ્વિમિંગ સ્પર્ધાઓ માટે માનદ માર્ગદર્શન અને તાલીમ સંબંધિત સહાય પણ પૂરી પાડે છે, જેનાથી અનેક યુવતીઓને સ્વિમિંગ ક્ષેત્રે આગળ વધવાની પ્રેરણા મળી રહી છે.
આંતરરાષ્ટ્રીય સ્તરની આ શાનદાર સિદ્ધિ તેમની અથાગ મહેનત, સતત તાલીમ, શિસ્ત અને વ્યવસાયિક જવાબદારીઓ સાથે રમતગમત પ્રત્યેના સમર્પણનું ઉત્તમ પરિણામ છે.વ્યવસાયિક ક્ષેત્રે કાર્યરત રહીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચ સુધી પહોંચવાની તેમની આ સફળ યાત્રા જામનગરની મહિલાઓ અને નવી પેઢી માટે એક નવી પ્રેરણાદાયી મિસાલ બની રહી છે.
