કાલાવડ, ધ્રોલ,જોડીયા અને આમરણ ચોવીસી વિસ્તારની સ્થિતિ ચિંતાજનક

ખેડુતોને રાહત પેકેજ આપવા ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાની માંગણી

76-કાલાવડ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય મેઘજીભાઈએ ચાવડા દ્વારા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ગત માસે રજુઆત કર્યા બાદ ફરીથી રજુઆત કરીને કાલાવડ, ધ્રોલ, જોડિયા તાલુકાઓ તેમજ મોરબી તાલુકાના આમરણ ચોવીસી વિસ્તારને ત્વરિત દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતો માટે રાહત પેકેજ અને સહાય આપવા રજૂઆત કરવામાં આવી છે.
ધારાસભ્યશ્રીએ રજૂઆતમાં જણાવ્યું છે કે, કાલાવડ, ધ્રોલ, જોડિયા અને આમરણ ચોવીસી વિસ્તારમાં જરૂરિયાત કરતાં ખૂબ જ ઓછો વરસાદ થવાના કારણે ખેડૂતોના ખરીફ પાક સંપૂર્ણ નિષ્ફળ ગયા છે. તેમજ સિંચાઈના પાણીના અપૂરતા સ્ત્રોત અને વરસાદના અભાવે પીવાના પાણી, પશુઓ માટે ઘાસચારાની ભારે અછત ઊભી થઈ છે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, આ સમગ્ર વિસ્તાર સંપૂર્ણ ખેતી અને પશુપાલન પર આધારિત હોવાથી ઉદ્યોગ કે અન્ય રોજગારના સાધનો નથી. ઓછા વરસાદને કારણે ખેડૂતોનું બિયારણ અને ઊભો પાક નિષ્ફળ જતાં ગરીબ તથા મધ્યમ વર્ગની સ્થિતિ અત્યંત કફોડી બની છે. આગામી દિવસોમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો હોય ત્યારે ખેડૂતો અને ગ્રામજનોની ખુશીઓ છીનવાઈ ગઈ છે. ખેડૂત પરિવારો અને ગ્રામીણ જનતાના હિતમાં રાજ્ય સરકાર દ્વારા આ તમામ વિસ્તારોને ત્વરિત દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને યોગ્ય રાહત પેકેજ અને સહાય ચૂકવવામાં આવે તેવી અપીલ કાલાવડ તાલુકાના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ