જામનગરમાં મોબાઈલની દુકાનમાં તોડફોડ કરનાર નશાખોર ઝડપાયો

દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

જામનગર શહેરના લીમડાલાઈન વિસ્તારમાં આવેલી એક મોબાઈલની દુકાનમાં દારૂના નશામાં ધૂત એક શખ્સે ઘૂસી જઈ ભારે હંગામો મચાવ્યાની ઘટના સામે આવી છે. દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ જતાં તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ લીમડાલાઈન વિસ્તારમાં આવેલી મોબાઈલની દુકાનમાં ભાડા અને અન્ય બાબતોને લઈને દુકાનના સ્થળના માલિક તરીકે ઓળખાતો એક શખ્સ નશાની હાલતમાં પહોંચી ગયો હતો. ત્યારબાદ તેણે દુકાનદાર સાથે ઉગ્ર બોલાચાલી કરી અશ્લીલ ગાળો આપી મારામારી શરૂ કરી હતી. આશરે પાંચ મિનિટના વીડિયોમાં ચાર મિનિટથી વધુ સમય સુધી શખ્સ દ્વારા દુકાનમાં ધમાચકડી મચાવવામાં આવી હોવાનું જોવા મળે છે.
આ દરમિયાન આરોપીએ દુકાનના કાઉન્ટર પર રાખેલા મોબાઈલ ફોન તેમજ અન્ય સામાન સાથે તોડફોડ કરી નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, દુકાનમાં રહેલી લોખંડની ખુરશી ઉચકી વેપારી તરફ ફેંકી દેતા દુકાનમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાને કારણે આસપાસના વેપારીઓ અને સ્થાનિક રહેવાસીઓ પણ ભેગા થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતા જનરક્ષક-112ને ફોન કરવામાં આવ્યો હતો. જેના પગલે સીટી બી. ડિવિઝન પોલીસનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો, અને હંગામો મચાવનાર શખ્સને કાબૂમાં લઈ પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો.
પોલીસ તપાસ દરમિયાન ઝડપાયેલ શખ્સની ઓળખ લવિશ નાથાલાલ વાંક (ઉ.વ. 45), રહે. મોમાઈ કૃપા, લીમડાલાઈન, જામનગર તરીકે થઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ આરોપીની આંખો લાલઘૂમ જોવા મળી હતી, તેમજ તે પોતાની શારીરિક સ્થિતિનું સમતોલન જાળવી શકતો ન હતો. તેની પાસે કેફી પ્રવાહી (દારૂ) પીવાની કોઈ કાયદેસરની પરમિટ ન હોવાનું પણ બહાર આવ્યું હતું. આથી પોલીસ સ્ટેશનમાં આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
લીમડાલાઈન વિસ્તારમાં બનેલી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વ્યાપક રીતે વાયરલ થયો છે. સ્થાનિક વેપારીઓમાં પણ આ બનાવને લઈને ચિંતા અને રોષની લાગણી જોવા મળી રહી છે. જોકે સમયસર પોલીસ પહોંચી જતા વધુ ગંભીર ઘટના બનતા અટકી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

રિલેટેડ ન્યૂઝ