મતદાનમાં મહિલા મતદારોની સહભાગીતા વધારવા સહપરિવારને મતદાન કરવાનો કરાયો અનુરોધ

આગામી દિવસોમાં દેશભરમાં લોકશાહીના મહાપર્વની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રભવ જોષીના નેતૃત્વમાં અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એન. કે. મુછારના દિશા-નિર્દેશનમાં મતદાનમાં મહિલા મતદારોની સહભાગીતા વધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ગત વિધાનસભાની ચૂંટણીમાં પુરૂષો અને મહિલાઓના મતદાનની ટકાવારીનો તફાવત 10 ટકા કરતાં વધુ હોય તેવા અને કુલ મતદાન 50 ટકા કરતાં ઓછું હોય તેવા વિસ્તારોમાં સ્વીપ નોડલ ઓફિસરશ્રી જિજ્ઞાસાબેન ગઢવીના માર્ગદર્શનમાં વિશેષ મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યાં છે.
જે અન્વયે 68 – રાજકોટ પૂર્વ વિધાનસભા મતદાર વિભાગમાં આસિસ્ટન્ટ રીટર્નિંગ ઓફિસર અને જિલ્લા પુરવઠા અધિકારીશ્રી રાજેશ્રી વંગવાણીના વડપણ હેઠળ મામલતદારશ્રીની સૂચના મુજબ તા. 11ના રોજ સ્ત્રી અને પુરૂષ જાતિ આધારિત 10% કરતા વધુ તફાવત ધરાવતા ભાગ નંબર 257માં 80 ફૂટ રોડ પર મણીનગર, આશાપુરા અને તેની આસપાસના વિસ્તારોમાં ઝોનલ ઓફીસરશ્રી, આસિસ્ટન્ટ ઝોનલ ઑફિસરશ્રી તથા બુથ લેવલ ઓફિસરશ્રી દ્વારા મતદાન જાગૃતિ અર્થે આમંત્રણ પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ તકે સ્થાનિકોને ચૂંટણી પ્રક્રિયા, મતદાન મથક, ચૂંટણીલક્ષી સેવાઓ આપતી એપ્લીકેશન્સ સહિતની બાબતો વિશે સમજૂતી આપવામાં આવી હતી. તેમજ ચૂંટણીમાં મતદાન કરવા તથા કરાવવા જણાવ્યું હતું. ખાસ કરીને મહિલાઓ મતદાનમથકે જરૂર પધારે, તે માટે સહપરિવાર મતદાન કરવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ