કુખ્યાત શખ્સના રિમાન્ડની તજવીજ : અનેક ખુલાસા થવાની શક્યતા
તાજેતરમાં જામનગર રોડ પર નાગેશ્ર્વર વિસ્તારમાં આવેલા ’જેમ્કો’ સર્વિસ સ્ટેશન ખાતે નાણાકીય ઉઘરાણી મામલે થયેલા બે રાઉન્ડ ફાયરિંગના ગુનામાં એસઓજીને વધુ એક મોટી સફળતા મળી છે. આ કેસની તપાસ દરમિયાન સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે છેલ્લા 10 દિવસથી ફરાર કુખ્યાત આરોપી ભરત કુંગશીયાની ધરપકડ કરી એક પિસ્તોલ કબજે કરી છે. જામનગર રોડ પર નાગેશ્ર્વર પાસે આવેલા સર્વિસ સ્ટેશન પર બનેલી ફાયરિંગની ઘટના સંદર્ભે પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને ગુનાહિત ઈતિહાસ ધરાવતી બલી ડાંગર ગેંગના સાગરીત રામદેવ લક્ષ્મણભાઈ ડાંગર તથા નિવૃત્ત પોલીસ કર્મચારીના પુત્ર દિવ્યરાજસિંહ મજબુતસિંહ સરવૈયાની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી પરવાનેદાર દિવ્યરાજસિંહ મજબુતસિંહ સરવૈયાનું લાઈસન્સવાળું હથિયાર,કાર સહિત કુલ અંદાજિત રૂૂ. 38 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપી રામદેવ ડાંગરની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે તેણે પોતાના ગેરકાયદેસર હથિયારો મિત્રોને છુપાવવા માટે આપ્યા હતા. જેના આધારે પોલીસે કાર્યવાહી કરીને ઘંટેશ્ર્વર પાર્ક વિસ્તારમાંથી કુલદીપસિંહ દશરથસિંહ જાડેજા અને પરાસર પાર્કમાંથી અજયસિંહ વનરાજસિંહ ચુડાસમાની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓની કબુલાતને આધારે જમીનમાં છુપાવી રાખેલી બે દેશી બનાવટની પિસ્ટલ અને સાત જીવતા કારતૂસ રિકવર કર્યા હતા. ત્યારબાદ અદાલતમાંથી ચારેય આરોપીઓના રિમાન્ડ મેળવી સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. અટકાયત કરાયેલા આરોપીઓની પૂછપરછમાં ખુલાસો થયો હતો કે જપ્ત કરાયેલા બંને હથિયારો રેલનગર વિસ્તારના કુખ્યાત શખસ ભરત રઘુભાઈ કુંગશીયાએ પૂરા પાડ્યા હતા. આ માહિતિ મળતાં જ આરોપી ભરત કુંગશીયા ફરાર થઈ ગયો હતો. એસ.ઓ.જી.ના પી.આઈ. ચૌધરી તથા પી.એસ.આઈ. ઝાલા અને તેમની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે, બેડી બાયપાસ નજીક આવેલી એક વાડીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ ઓપરેશન દરમિયાન છેલ્લા 10 દિવસથી નાસતા ફરતા આરોપી ભરત રઘુભાઈ કુંગશીયાને ઝડપી પાડવામાં આવ્યો હતો. તલાશી દરમિયાન આરોપી પાસેથી દેશી બનાવટની પિસ્ટલ અને જીવતા કારતૂસ મળી આવ્યા હતા. એસઓજીએ ગેરકાયદેસર હથિયાર રાખવા બદલ આરોપી વિરૂૂદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ વધુ એક ગુનો નોંધી તેની વિધિવત ધરપકડ કરી છે. હાલ પોલીસ દ્વારા આરોપી ફરાર સમયગાળા દરમિયાન ક્યાં છુપાયો હતો અને આ ગુનાહિત નેટવર્કમાં અન્ય કોઈ વ્યક્તિઓ સામેલ છે કે કેમ, તે દિશામાં રિમાન્ડ મેળવવાની તજવીજ સાથે કાનૂની તપાસ ચાલી રહી છે.
