દબાણ કરવા બદલ 3.27 લાખનો દંડ ફટકારાયો
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા શહેરીજનોની સુવિધા અને ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે છેલ્લા 15 દિવસ દરમિયાન આક્રમક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તારીખ 16 જૂનથી 30 જૂન, 2026 સુધીના સમયગાળામાં શહેરના મુખ્ય માર્ગો પરથી દબાણો દૂર કરી પાલિકાએ લાખો રૂૂપિયાનો દંડ વસૂલતા દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવાના ઉદ્દેશ્ર્યથી દબાણ હટાવ શાખાએ સાધુવાસવાણી રોડ, 150 ફૂટ રિંગ રોડ, રૈયાધાર રોડ, રામાપીર ચોકડી, કાલાવડ રોડ, જ્યુબેલી, જંક્શન રોડ, ઢેબર રોડ, પરાબજાર, ધરાર માર્કેટ, સંતકબિર રોડ, પેડક રોડ, કોઠારીયા રોડ અને મવડી મેઈન રોડ સહિતના વિસ્તારોમાં સઘન ઝુંબેશ હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન રસ્તા પર નડતરરૂૂપ 142 જેટલી રેકડી અને કેબિનો જપ્ત કરવામાં આવી હતી. દબાણ હટાવ શાખાની ટીમે માત્ર રેકડી-કેબિન જ નહીં, પરંતુ ગેરકાયદે રીતે રસ્તા પર મૂકવામાં આવેલ પરચૂરણ માલસામાન અને ફળ-શાકભાજીના વિક્રેતાઓ સામે પણ લાલ આંખ કરી હતી. મવડી, 150 ફૂટ રિંગ રોડ, ગુંદાવાડી, યાજ્ઞિક રોડ અને રેસકોર્સ વિસ્તારમાંથી 511 જેટલી પરચૂરણ ચીજવસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત, વિવિધ વિસ્તારોમાંથી અંદાજે 2,109 કિલો જેટલા શાકભાજી અને ફળોનો જથ્થો પણ પાલિકાના તંત્ર દ્વારા કબજે કરવામાં આવ્યો છે. દબાણ દૂર કરવાની સાથે સાથે મનપા દ્વારા નિયમનો ભંગ કરનાર વેપારીઓ પાસેથી વહીવટી ચાર્જ અને દંડની વસૂલાત પણ કરવામાં આવી છે. પુષ્કરધામ મેઈન રોડ, યુનિ. રોડ, નાણાવટી ચોક, સોરઠીયાવાડી અને ભાવનગર રોડ જેવા વિસ્તારોમાંથી મંડપ, કમાન અને છાજલી ભાડા પેટે રૂૂ. 51,250/ – વસૂલવામાં આવ્યા હતા. આ ઉપરાંત, અર્ટિકા ફાટક, મોરબી રોડ, કુવાડવા રોડ સહિતના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવેલી કાર્યવાહીમાંથી રૂૂ. 3,27,775/- નો જંગી વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે. શહેરની સુંદરતાને ગ્રહણ લગાવતા અને ટ્રાફિકમાં અડચણરૂૂપ બનતા 3,122 જેટલા બોર્ડ અને બેનરો પણ પાલિકાની ટીમે જપ્ત કર્યા છે. આ કાર્યવાહી મુખ્યત્વે રેસકોર્સ રિંગ રોડ, જામનગર રોડ, કાલાવડ રોડ, ગોંડલ ચોકડી અને કોઠારીયા સોલવન્ટ જેવા વિસ્તારોમાં કરવામાં આવી હતી.
