બાળકના જન્મ બાદ શ્ર્વાસ બંધ હોવાથી 108ના સ્ટાફે સીઆરપીની કરેલી મહેનત સફળ રહી
ગોંડલ તાલુકાના દડવા હમીરપરાની 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સની ટીમે ફોન પર ડોક્ટરના માર્ગદર્શન મુજબ નવજાતને સતત અડધો કલાક સી.પી.આર. અને બી.વી.એમ. થકી કૃત્રિમ શ્વાસ આપ્યા અને અચાનક બાળક શ્વાસ લઈને રડવા માંડ્યું.બાળકનાં પ્રથમ રુદનથી માતા તથા પરિવાર
ગદગદિત બન્યાં અને 108ની ટીમે હાશકારો અનુભવ્યો. આમ નવજાત શિશુ ને નવજીવન મળ્યું
પ્રાપ્ત વિગત મુજબ ત્રણ દિવસ પહેલા સવારે 11:35 કલાકે ગોંડલ નાં દડવા હમીરપરાની 108 એમ્બ્યુલન્સને નવા રાજપીપળા ગામના વાડી વિસ્તારમાંથી એક ઈમરજન્સી કોલ મળ્યો હતો. પાયલોટ લાલજીભાઈએ સમયની ગંભીરતા સમજીને ગણતરીની મિનિટોમાં એમ્બ્યુલન્સને વાડી વિસ્તારના કાચા અને દુર્ગમ રસ્તાઓ પરથી પસાર કરીને ઘટનાસ્થળે પહોંચાડી દીધી.
સ્થળ પર પહોંચતા જ ઈ.એમ.ટી. સુલય રાઠોડે જોયું કે, માતા શશીબેનની ડિલિવરી થઈ ચૂકી હતી, પરંતુ ત્યાં એક સન્નાટો છવાયેલો હતો. નવજાત શિશુના શરીરમાં કોઈ જ હલનચલન નહોતું, બાળક શ્વાસ જ નહોતું લેતું અને જાણે નિષ્પ્રાણ અવસ્થામાં લાગતું હતું. એકતરફ નવજાત બાળક અને બીજીતરફ પીડા અને આઘાતથી કણસતી માતા હતી. 108ની ટીમે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના કે ગભરાયા વગર પોતાની ફરજ સંભાળી લીધી.
માતા અને શિશુને તાત્કાલિક એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરવામાં આવ્યા. ઈ.એમ.ટી. સુલય રાઠોડે હિંમત હાર્યા વિના બાળકને નવજીવન આપવા માટે સતત સી.પી.આર. આપવાનું શરૂ કર્યું, સાથે બી.વી.એમ. મશીનથી કૃત્રિમ શ્વાસોચ્છાસ શરૂ કરવામાં આવ્યા. આ સાથે જ માતા શશીબેનની પણ સારવાર શરૂ કરી દેવામાં આવી.
એ જ વખતે ઈ.આર.સી.પી. ડો. યુવરાજ સાથે ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો. ડો. યુવરાજે પરિસ્થિતિની અત્યંત ગંભીરતા સમજીને ઈ.એમ.ટી. સુલય રાઠોડને સતત સી.પી.આર. ચાલુ રાખવા અને ઝડપથી હોસ્પિટલ પહોંચવા સહિતનું માર્ગદર્શન પૂરું પાડ્યું.
એક તરફ રસ્તા પર દોડતી એમ્બ્યુલન્સની સાયરનનો અવાજ, બીજી તરફ અંદર એક નાનકડા જીવને મોતના મુખમાંથી પાછા લાવવા જાણે મહાસંગ્રામ ચાલી રહ્યો હતો. ઈ.એમ.ટી. સુલય રાઠોડના સતત આશરે અડધો કલાક સુધીના અથાક પ્રયાસો રંગ લાવ્યા. એમ્બ્યુલન્સ હજુ રસ્તામાં જ હતી ત્યાં જ બાળકના શરીરમાં અચાનક ચેતનાનો સંચાર થયો અને તેણે પોતાનો પહેલો શ્વાસ લીધો અને રડવાનું શરૂ કર્યું. બાળકના રડવાના અવાજથી એમ્બ્યુલન્સમાં ચિંતા હળવી થઈ અને રાહત નો દમ લીધો હતો.
માતાની મેડિકલ હિસ્ટ્રીમાં એવું સામે આવ્યું કે, તેને ઝેરી કમળો હતો. આવી સ્થિતિમાં બાળકનો જન્મ ખૂબ દુષ્કર હોય છે. અગાઉ તેના ત્રણ બાળકો જન્મ પછી ગુજરી ગયા હતા.
108 એમ્બ્યુલન્સની ટીમે બાળક અને માતા શશીબેન બંનેને સુરક્ષિત રીતે ગોંડલની સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યા. હોસ્પિટલના બિછાને પોતાના બાળકને જીવતું અને શ્વાસ લેતું જોઈને શશીબેન અને તેમના પરિવારની આંખોમાંથી હર્ષના આંસુ વહી નીકળ્યા હતા.
આમ 108 ની ટીમ ની સતર્કતા ફરજ પ્રત્યે ની નિષ્ઠા થી માશુમ બાળક ને નવજીવન મળ્યું હતું.
