રાજકોટમાં 3 દિવસમાં BMW સહિત 147 વાહન ડિટેઈન કરી 1.19 લાખનો દંડ વસુલતી પોલીસ

રાજ્યભરમાં નંબર પ્લેટ વિનાના વાહનો સામે ડ્રાઇવના 20 દિવસમાં 18 હજાર કેસ, 4187 વાહનો ડિટેઈન અને 58.56 લાખનો દંડ વસૂલાયો

ગુજરાતમાં નંબરપ્લેટ વગરના, ચેડાં કરેલી પ્લેટવાળા અને ફેન્સી કે નિયમ વિરુદ્ધની રજિસ્ટ્રેશન પ્લેટ લગાવીને ચાલતા વાહનો સામે પોલીસે રાજ્યવ્યાપી વિશેષ ઝુંબેશ શરૂ કરી છે. આ ઝુંબેશના પહેલા 20 દિવસમાં જ રાજ્યભરમાં 18,014 કેસ નોંધાયા છે. પોલીસે 4,187 વાહનો ડિટેઈન કર્યા છે અને ટ્રાફિક નિયમભંગ બદલ આશરે રૂ. 58.56 લાખનો દંડ વસૂલ્યો છે. રાજકોટમાં ત્રણ દિવસમાં પોલીસે બીએમડબલ્યુ સહિત 147 વાહનો ડિટેઈન કરી રૂા.1.19 લાખનો દંડ વસુલ કર્યો હતો.
આ વિશેષ ડ્રાઈવ 1 સપ્ટેમ્બરે શરૂથઈ છે અને 14 ઑક્ટોબર સુધી ચાલુ રહેશે. રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકના માર્ગદર્શન હેઠળ શહેરો અને જિલ્લાઓની ટ્રાફિક પોલીસને તપાસ તીવ્ર બનાવવા અને નંબરપ્લેટના નિયમો તોડનારા વાહનચાલકો સામે કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે.
પહેલા 20 દિવસના આંકડા પ્રમાણે સૌથી વધુ કેસ વડોદરા શહેરમાં નોંધાયા છે. અહીં 1,959 કેસ થયા છે. સુરત શહેરમાં 1,786 અને બનાસકાંઠામાં 1,363 કેસ નોંધાયા છે. પોલીસ જણાવે છે કે તમામ જિલ્લા અને શહેરોમાં ચેકિંગ ચાલુ છે અને આગામી અઠવાડિયામાં કાર્યવાહી વધુ કડક બનશે. રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસમાં 147 વાહનો ડિટેઈન કરાયા છે.
અધિકારીઓનું કહેવું છે કે વાહનની રજિસ્ટ્રેશન નંબર સ્પષ્ટ અને સહેલાઈથી વંચાય તે માર્ગ સુરક્ષા અને ટ્રાફિક અમલીકરણ માટે જરૂરી છે. ફેન્સી ફોન્ટ, સ્ટાઇલિશ ડિઝાઈન, ઢંકાયેલી કે બદલાયેલી પ્લેટથી સીટીવી અને ઑટોમેટિક કેમેરા નેટવર્ક પર નંબર વાંચવામાં મુશ્કેલી પડે છે. આનાથી ચોરાયેલા વાહનો શોધવા, સ્પીડવાયોલેશન પકડવા અને અકસ્માતની તપાસમાં અડચણ આવે છે.
રાજ્ય ટ્રાફિક શાખાના એસપી વી. સાહિત્યાએ વાહનમાલિકો અને ડ્રાઈવરોને અપીલ કરી છે કે નંબરપ્લેટ સ્પષ્ટ, દેખાય તેવી અને નિયમાનુસાર જ રાખે. ફેન્સી ફોન્ટ કે એવી ડિઝાઈન જે નંબર છુપાવે કે અસ્પષ્ટ બનાવે તેના પર દંડ અને કાનૂની કાર્યવાહી થઈ શકે છે.
પોલીસે જણાવ્યું છે કે ઝુંબેશ 14 ઑક્ટોબર સુધી ચાલશે. પુનરાવર્તિત ઉલ્લંઘન અને ગંભીર કેસોમાં વધુ કડક પગલાં લેવામાં આવશે. ટ્રાફિક ટીમો સરપ્રાઈઝ ચેકિંગ અને વાહન ડિટેન્શન વધારશે તેવી અપેક્ષા છે. સામાન્ય વાહનચાલકો માટે સરળ સંદેશ એ છે કે આરટીઓ માન્ય ફોર્મેટની સ્પષ્ટ નંબરપ્લેટ લગાવો, પ્લેટ પર કોઈ ચેડાં કે સુશોભન ન રાખો અને નંબર સ્પષ્ટ વંચાય તે રીતે જ રાખો. નહીં તો આગામી ત્રણ અઠવાડિયામાં ચેકપોસ્ટ પર દંડ અને વાહન અટકાવવાની શક્યતા વધુ છે.

રિલેટેડ ન્યૂઝ