જી-20 બેઠકમાં સામેલ થવા ઉપરાંત ટ્રમ્પ સાથે શિખર બેઠક શક્ય
જી-20 દેશોની બેઠક આગામી ડીસેમ્બરમાં અમેરિકાના ફ્લોરીડામાં યોજાવાની છે તેમાં ભાગ લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાનો પ્રવાસ કરે તેવી સંભાવના છે. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે બેઠકની પણ સંભાવના છે.
વડાપ્રધાન મોદી જી-20 સમિટ માટે અમેરિકાનાં ફ્લોરિડામાં જશે. 2026ની જી-20 લીડર્સ સમિટ 14 અને 15 ડિસેમ્બરનાં રોજ ફ્લોરિડાનાં ટ્રમ્પ નેશનલ ડોરલ મિયામીમાં યોજાશે. જેની યજમાની અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કરશે. અમેરિકન રાજદૂત સર્જિયો ગોર પણ કહી ચૂક્યા છે કે- વડાપ્રધાન મોદી ડિસેમ્બરમાં જી-20 માટે અમેરિકા જશે. જો કે, ભારતીય વિદેશ મંત્રાલયે હજુ વડાપ્રધાનની યાત્રાની સત્તાવાર જાહેરાત કરી નથી.
જો વડાપ્રધાન મોદી ફ્લોરિડા જશે તો અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે તેમની દ્વિપક્ષીય બેઠક પણ થઈ શકે છે. જી-20 દરમિયાન જ ક્વાડ સમિટનું આયોજન કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ ઉપરાંત રિપોર્ટ અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેનેડાની દ્વિપક્ષીય બેઠક પણ યોજી શકે છે. આ યાત્રાઓ અંગે વડાપ્રધાન મોદીનાં અંતિમ કાર્યક્રમની સ્થિતિ સત્તાવાર જાહેરાત બાદ જ સ્પષ્ટ થશે.
