ખેડુતો માટે કેનાલ શોભાના ગાંઠીયા જેવી: જો પાણી નહીં છોડાય તો ઉગ્ર આંદોલનની ચીમકી
વઢવાણ તાલુકામાં નર્મદા કેનાલના કામ અધૂરા છે. આથી 15 વર્ષથી નર્મદા નીરની રાહ જોતા ખેડૂતોએ કાળઝાળ ગરમીમાં અનોખો વિરોધ પ્રદર્શન કર્યું છે. જેમાં વઢવાણમાં નર્મદા કેનાલમાં ખેડૂતો ઉતરીને ધરણા કર્યા હતા.
સુરેન્દ્રનગર જિલ્લો ખેતી આધારિત જિલ્લો છે. જ્યાં ખેડૂતો મુખ્યત્વે ઘઉં, કપાસ અને મગફળી જેવા પાકો પર નિર્ભર છે. સરકારનો દાવો છે કે નર્મદા કેનાલનો સૌથી વધુ લાભ આ જિલ્લાને મળ્યો છે. પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ ચિત્ર રજૂ કરે છે.
વઢવાણ, ખારવા, બલદાણા અને ગોમટા જેવા ગામોના ખેડૂતો માટે આ કેનાલ માત્ર શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ છે. ખેડૂતોએ પોતાની કિંમતી જમીન કેનાલ માટે આપી હતી એ આશાએ કે તેઓ વર્ષમાં 2 પાક લઈ શકશે. પરંતુ 15 વર્ષ વીતવા છતાં કેનાલમાં પાણીનું એક ટીપું પણ આવ્યું નથી.
જ્યારે ખેડૂતોએ તંત્રને રજૂઆત કરી, ત્યારે ચોંકાવનારો જવાબ મળ્યો કે 300 મીટર જેટલી કેનાલ બનાવવાનું ભૂલાઈ ગયું છે. આ ભૂલને કારણે આજે કેનાલમાં પાણીને બદલે બાવળ, ઝાડીઓ ઉગી છે.
કેનાલની જર્જરિત હાલત અને પાણીના અભાવે અંદાજે 500 એકર જેટલી જમીન બિન-ઉપજાઉ બની રહી છે. વઢવાણ શહેરના વિક્રમસિંહ ડોડિયા અજીતસિંહ વગેરે ખેડૂતોનો આરોપ છે કે અત્યાર સુધીમાં 4 ધારાસભ્ય બદલાઈ ગયા. પરંતુ કોઈએ તેમની આ પીડા સાંભળી નથી. પાણી ન મળવાને કારણે ખેડૂતો હવે રોકડિયા પાક વાવવા મજબૂર બન્યા છે અને તેમની આર્થિક સ્થિતિ કથળી રહી છે.
સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો વહેલી તકે કેનાલની અધૂરી કામગીરી પૂર્ણ કરી પાણી છોડવામાં નહીં આવે, તો ખેડૂતોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. ખેડૂતોની માંગ છે કે સરકાર ગાઢ નિંદ્રામાંથી જાગે અને તેમના હક્કનું પાણી તેમને પહોંચાડે.
