મારપીટ, ભૂખમરો અને વેઠ: દિવ્યાંગ બાળકીઓ પાસે અંગત કામ કરાવવાના આક્ષેપ
વઢવાણમાં આવેલા માનવ સેવા સંઘ સંચાલિત મૂક-બધિર શાળાના બાળકો માટેના આશ્રમ શાળામાં દિવ્યાંગ બાળકો પર માનસિક અને શારીરિક શોષણ થતું હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. જિલ્લા કલેક્ટરની સીધી સૂચનાથી વઢવાણ પ્રાંત અધિકારી મેહુલ ભરવાડની ટીમે શાળામાં અચાનક સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરતાં આ આખું કૌભાંડ ખુલ્લું પડ્યું છે. તપાસના આધારે પોલીસે શાળાના ગૃહમાતા સોનલબેન ચૌહાણની અટકાયત કરી આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.
આઅંગેની જાણવા મળતી વિગત મુજબ સુરેન્દ્રનગરની આ વિશિષ્ટ શાળામાં હાલમાં કુલ 42 મૂક-બધિર બાળકો અભ્યાસ કરી રહ્યા છે. મૂંગા અને બહેરા હોવાના કારણે આ માસુમ બાળકો પોતાની આપવીતી કે તકલીફો કોઈને જણાવી શકતા ન હતા, જેનો ગેરલાભ લઈને ગૃહમાતા સોનલબેન અને શાળા પ્રશાસન દ્વારા તેમના પર ભારે ક્રૂરતા આચરવામાં આવતી હોવાનો ખુલાસો થયો છે. ગૃહમાતા સામે નોંધાયેલી વાસ્તવિક ફરિયાદો અને આક્ષેપો કે બાળકોને નાની-નાની બાબતોમાં ઢોર માર મારવામાં આવતો હતો. બાળકોને પૂરતું કે ગુણવત્તાયુક્ત ભોજન આપવાને બદલે અડધા ભૂખ્યા રાખવામાં આવતા હતા. મોડી રાત્રે બાળકો પાસે શાળા તથા હોસ્ટેલ સંબંધિત શારીરિક કામો કરાવવામાં આવતા હતા. શાળામાં રહેતી કેટલીક દિવ્યાંગ દીકરીઓ પાસેથી ગૃહમાતા સોનલબેન પોતાના અંગત કામો કરાવતા હોવાના ગંભીર આક્ષેપો પણ સામે આવ્યા છે. મૂંગા- બહેરા બાળકોના કલ્યાણ અર્થે ઉદાર મનના દાતાઓ દ્વારા મોટી માત્રામાં અનાજ, ચીજવસ્તુઓ અને રોકડ નાણાંનું દાન આપવામાં આવતું હોય છે. પરંતુ આ રાશન અને સુવિધાઓ બાળકો સુધી પહોંચવાને બદલે તેનો ગેરઉપયોગ થતો હોવાની શંકા સેવાય રહી છે. પોલીસે આ આર્થિક ગેરરીતિઓની પણ ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. તદ્ઉપરાંત, શાળા સાથે સંકળાયેલા એટેન્ડન્ટ/સંચાલક પ્રશાંત ભટ્ટ સામે પણ ગંભીર આક્ષેપો ઊઠ્યા છે. તેમના પર બાળકો પાસે મજૂરી કરાવવા તેમજ શાળા પરિસરમાં નશીલા પદાર્થોનું સેવન કરવા અંગેના આક્ષેપો હોવાથી પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા તેમની પણ તપાસ ચાલી રહી છે. જે બાળકો બોલી કે સાંભળી શકતા નથી તેમનો અવાજ બનીને તંત્ર આગળ આવ્યું છે. કલેક્ટરને મળેલી ખાનગી બાતમી અને સૂચનાના આધારે સરપ્રાઇઝ તપાસ ગોઠવવામાં આવી હતી. સ્થળ પરથી ચોંકાવનારા પુરાવા મળતા જ સુરેન્દ્રનગર પોલીસે ત્વરિત પગલાં ભરીને સોનલબેન ચૌહાણને તાબામાં લીધા છે. હાલ વઢવાણ પોલીસ દ્વારા બાળકોના નિવેદનો લેવા અને આશ્રમ શાળાના અન્ય કર્મચારીઓની પૂછપરછ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
