ઈરાનના આકાશમાં વર્ચસ્વ સ્થાપ્યા બાદ હવે દરિયાઈ ક્ષેત્ર નિશાન પર હોર્મુઝ જળમાર્ગ ખોલવાનું યુદ્ધ શરૂ: ઈરાનના જહાજને ઉડાવી દેતુ અમેરિકા

વધુ ત્રણ અમેરિકી યુદ્ધ જહાજો; 4500 મરીન કમાન્ડો, ફાઈટર જેટનો કાફલો ખડકતું અમેરિકા; ઈરાની નૌકાદળ મથક પર પણ બોમ્બમારો

પ્રારંભમાં ઈન્કાર બાદ બ્રિટન સહિતના છ મિત્ર દેશો પણ હવે અમેરિકાની મદદે: યુદ્ધ જહાજો- લડાયક વિમાનોને સાબદા કરી દીધા

તહેરાન: અમેરિકા-ઈઝરાયેલ એ લગભગ ત્રણ સપ્તાહથી વધુ સમય સુધી ઈરાનમાં મિસાઈલ- અણું અને મહત્વના લશ્કરી મથકોને નિશાન બનાવી 8000થી વધુ એર સ્ટ્રાઈક કર્યા બાદ હવે ઈરાનની ગળાની નસ જેવા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ક્રુડ ગેસ ટેન્કરો માટે આવાગમનના મહત્વના જળમાર્ગને ખોલવા અમેરિકી નૌકાદળ તથા હવાઈદળે હોર્મુઝ જળમાર્ગ પર સીધો હુમલો શરૂ કર્યો છે અને સર્વ પ્રથમ હોર્મુઝ જળમાર્ગની સુરક્ષા માટે તૈનાત ઈરાનના એક યુદ્ધ જહાજ પર હુમલો કરી તેને ડુબાડી દીધુ છે તો ઈરાનમાં રહેલા નૌકાદળ મથકને પણ નિશાન બનાવી મોટાપાયે મિસાઈલ દાગ્યા હતા. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે જ જાહેર કર્યુ હતું કે ઈરાન હોર્મુઝ જળમાર્ગ બંધ રાખી શકે નહી. ભારત સહિતના દેશોની ક્રુડતેલ-ગેસની આવશ્યકતા આ જળમાર્ગથી મધ્યપુર્વના દેશો પુરી પાડે છે અને ઈરાને તે બંધ કરી દેતા સેંકડો ટેન્કર દરિયામાં ફસાયેલા છે.
અમેરિકાએ તેના વધુ ત્રણ યુદ્ધ જહાજોને હોર્મુઝ ખોલવા રવાના કર્યા છે. વિમાન વાહક જહાજ અબ્રાહમ લીંકનથી લઈને ડીયોડી ગાર્સીયા સુધીના અમેરિકી મથકોથી હવાઈદળના લડાયક જહાજો હોર્મુઝ પર ઉડવા લાગ્યા છે તથા હોર્મુઝના સાંકડા 23 કીમીની પહોળાઈ અને 20 કીમીની લંબાઈ ધરાવતા પણ મહત્વના જળમાર્ગને ખોલવાના નિર્ણાયક યુદ્ધનો પ્રારંભ થઈ ગયો છે. અમેરિકી યુદ્ધ જહાજો લડાયક વિમાનો તથા હેલીકોપ્ટરના કાફલા આ ક્ષેત્રમાં ઉડી રહ્યા છે અને આ ક્ષેત્રમાં ઈરાને જે આત્મઘાતી બોટસથી હરોળ તથા બારૂદી સુરંગની જાળ બીછાવી છે તેને નષ્ટ કરવાની કામગીરી શરૂ કરી છે તે પછી અમેરિકી યુદ્ધ જહાજો હોર્મુઝમાં પ્રવેશશે. ઈરાનના આકાશ પર કબ્જો કર્યા બાદ હવે દરિયાઈ ક્ષેત્રમાં પણ વર્ચસ્વના નિર્ણાયક યુદ્ધનો પ્રારંભ થયો છે. મહત્વપુર્ણ રીતે પ્રારંભમાં આનાકાની કર્યા બાદ હવે જાપાન-બ્રિટન સહિતના દેશોએ પણ હોર્મુઝના જળમાર્ગને ખોલવા અમેરિકાની મદદે જવાની જાહેરાત કરતા હવે આ યુદ્ધ વધુ ગંભીર બનશે. બ્રિટનના વડાપ્રધાન કેઈર સ્ટાર્મરે જાહેર કર્યુ કે તેના દળો ઉપરાંત જાપાન, જર્મની, ફ્રાન્સ, ઈટલી અને નેધરલેન્ડ પણ હવે વિશ્ર્વની ઉર્જા સલામતી માટે હોર્મુઝ ખોલવા જશે. ઈરાને આ ક્ષેત્રમાં મોટાપાયે સમુદ્રી સુરંગ બીછાવી છે તથા હોર્મુઝ જળમાર્ગમાં પસાર થતા દુશ્મન જહાજો પર ડ્રોન-મિસાઈલથી હુમલા કરશે. બ્રિટીશ વડાપ્રધાને કહ્યું કે આ પ્રકારે આંતરરાષ્ટ્રીય વ્યાપાર માર્ગને અવરોધી શકાય નહી ત્યાં તમામ દેશોએ એક સંયુક્ત નિવેદનમાં કરેલી જાહેરાત બાદ હવે ઈરાન તેનો કઈ રીતે મુકાબલો કરે છે તેના પર નજર છે. નેવીગેશનની સ્વતંત્રતાને આ દેશોએ આગળ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ