ફરી મોટા પાયે ઈરાની ક્રુડતેલ-ગેસ ભારતને મળવા લાગશે: સસ્તા-ઝડપી ઈંધણ માટે ખાસ જોગવાઈ: દેશની બાસમતી સહિતની નિકાસ પણ ફરી શરૂ થશે
નવી દિલ્હી: યુદ્ધ વિરામ છતા અમેરિકા-ઈરાન વચ્ચે સતત થઈ રહેલા છમકલાથી ફરી એક વખત હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થતા ઓઈલ ટેન્કર સહિતના વ્યાપારી જહાજોની સલામતી અંગે ચિંતા થવા લાગી છે તેમાં હવે ભારતે તેની ઉર્જા જરૂરિયાત પુરી કરવા ઈરાન સાથે જ એક મોટી સમજુતીની તૈયારી કરી છે. અમેરિકાએ ઈરાનના ક્રુડતેલ અંગેના પ્રતિબંધો દુર કરી દીધા છે અને તેથી ભારત ફરી ઈરાન પાસેથી ક્રુડતેલ ખરીદી વધારશે. ઈરાનને પણ ભારત જેવા ખરીદારની જરૂર છે અને ભારત માટે સલામત-ઝડપી અને સસ્તુ ક્રુડતેલ ઈરાન પુરુ પાડી શકે છે. ઉપરાંત ભારતના બાસમતી ચોખા સહિતના માટે ઈરાન મોટુ આયાતકાર રહ્યું છે. હાલમાં જ ઈરાનના પેટ્રોલિયમ મંત્રી મોહસેન માર્કનેજાદ દિલ્હીમાં હતા અને તેઓએ ભારતના પેટ્રો મંત્રી શ્રી હરદીપસિંહ પુરી સામે બેઠક યોજી હતી. જેમાં આગામી દિવસોમાં ઈરાન પાસેથી ક્રુડતેલ ખરીદવા એક મોટી સમજુતી બન્ને દેશો વચ્ચે થઈ શકે છે. ચીન અને ભારત બન્ને ઈરાનના ક્રુડતેલના મોટા ખરીદનાર બની રહેશે તેવા સંકેત છે. હાલ હોર્મુઝ જળમાર્ગમાં જે ભારતીય ઓઈલ-ગેસ ટેન્કરો કપાયા હતા તે સલામત પસાર કરવામાં ઈરાને મદદ કરી હતી અને ઈરાનના નૌકાદળના અનેક જહાજો અમેરિકી હુમલા સામે બચવા ભારતમાં પહોંચી ગયા હતા. આમ યુદ્ધ વચ્ચે પણ બન્ને દેશોના સંબંધોમાં ભાગ્યે જ કોઈ મોટું વિધ્ન આવ્યુ છે.
