કેન્દ્ર સરકારે સંસદીય સમિતિઓના સભ્યોના પ્રવાસો અને બેઠકોના નામે સરકારી ખજાનાથી થનારી શાહી મહેમાનગતિ પર સકંજો કસ્યો છે. જે અંતર્ગત ફાઇવ સ્ટાર હોટેલોમાં રોકાણ, સરકારી ખર્ચ પર પર્યટન અને વિદાયમાં ચાંદીના સિકકા કે મોંઘા ગેજેટ્સ આપવાનો પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા છે.આ શુધ્ધિ-પત્ર મુજબ હવે ‘માનનીય’ સભ્ય માત્ર સરકારી ગેસ્ટ હાઉસ, સર્કીટ હાઉસ કે આઇઆરસીટીસીની બજેટ હોટેલોમાં જ રોકાઇ શકાશે સાથે સાથે સાંસદોના ખાવા-પીવાના ખર્ચની સીમા પણ નકકી કરવામાં આવી છે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે હાલમાં બધા જાહેર ઉપક્રમો (પીએસયુ)ને નવા શુદ્ધિ પત્રના નાણાંકીય ધોરણોને લાગુ કરવાના નિર્દેશ આપ્યા છે. આ નવા નિયમો કેન્દ્ર સરકારના બધા વિભાગો અને પીએસયુ પર સમાનરૂપે લાગુ છે.
યાત્રા દરમિયાન સમિતિના દરેક સભ્ય માટે અલગથી મર્સિડીઝ જેવી લકઝરી કારો તૈનાત રહેતી હતી, કેટરીંગના નામે 50થી વધુ વ્યંજનવાળા શાહી બુફે અને પ્રાઇવેટ ક્રુઝમાં પાર્ટીઓ થતી હતી. પરંતુ હવે આવું નહીં થાય. ભેટમાં પણ ‘માનનીયો’ને પ્રશાસંનિક કિટ-ડાયરી-પેન જ આપવામાં આવશે.
