હાલના મોબાઈલ ધારકોને કેવી અસર થશે તે અંગે હજુ અનિશ્ર્ચિતતા
સ્માર્ટ ફેકટરીથી લઈ આઈટી કંપનીઓ અને રોબોટીક સર્જરી કરતી હોસ્પિટલો સહિત તમામના ઈન્ટરનેટ ચાર્જ વધશે
આગામી સમયમાં તમારે કેટલી સ્પીડનું ઈન્ટરનેટ કનેકશન જોઈએ છે તે નકકી કરી લેવુ પડશે. હાલ તો મોબાઈલ કંપનીઓ ફાઈવ જી અને ફાઈવ જી પ્લસના નામે ગ્રાહકોને ઈન્ટરનેટ કનેકશન આપે છે.
જો કે તેમાં સ્પીડ કેટલી હોવી જોઈએ તે અંગે કોઈ માપદંડ નથી અને સ્પીડ ઓછી મળે તો પણ તમે ફરિયાદ કરી શકતા નથી. હવે એક વધુ ચિંતા માટે તૈયાર રહો, સરકાર મોબાઈલ કંપનીઓને સ્પીડ મુજબ ઈન્ટરનેટ કનેકશનની ફી વસુલવાની છુટ આપવા જઈ રહી છે.
કહેવાય તો એમ છે કે જેઓને અત્યંત લાઈટનીંગ સ્પીડની જરૂર હોય તેવી હોસ્પીટલો, ગેમીંગ કંપનીઓ, હેલ્થકેર અને વાહનો તથા સ્માર્ટ ફેકટરીઓને વધુ સારી સ્પીડની જરૂર હોય છે જયારે સામાન્ય મોબાઈલ ઉપયોગકર્તાને હાલ જે સ્પીડ મળે છે તે યોગ્ય છે. પરંતુ સરકાર હવે સ્પીડ મુજબ મોબાઈલ કંપનીઓ ચાર્જ વસુલી શકે તે નિશ્ર્ચિત કરવા જઈ રહી છે એટલે કે આઈટી કંપનીઓથી લઈને સ્માર્ટ ફેકટરીઓ જે ઈન્ટરનેટ કનેકશન પર ચાલતી હોય તે તેમજ રોબોટીક સર્જરી કરતી હોસ્પીટલો તથા આગામી સમયમાં જે ઓટોનોમીયસ વાહનો આવી રહ્યા છે તેમજ ગેમીંગ કંપનીઓને વધુ સ્પીડ સાથે વધુ ચાર્જ કરવાની છુટ આપશે. જો કે તેના હિસાબે સામાન્ય ગ્રાહકોને વધુ દર ચુકવવા પડશે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી.
મોબાઈલ કંપનીઓ ગ્રાહક મુજબ બેન્ડવીથ નિશ્ર્ચિત કરી શકે છે એટલે કે તેના આધારે ઈન્ટરનેટ સ્પીડ મળશે. યુરોપીયન દેશોમાં આ પ્રકારના નિયમો અમલમાં છે. ભારતમાં મોબાઈલ કંપનીઓ એક જ ઈન્ફ્રાસ્ટ્રકચર હેઠળ તેના તમામ પ્રકારના ગ્રાહકોને સેવા આપે છે.
