રામમંદિર ટ્રસ્ટને કલીનચીટ: રૂા.3300 કરોડનો હિસાબ યોગ્ય

ફકત થોડા કર્મચારીઓએ રોકડની ગણતરી કરતા સમયે ચોરી કરી હતી

સરકાર દ્વારા નિયુક્ત ઓડીટરના રિપોર્ટ પરથી માહિતી: મંદિર નિર્માણ કે જમીન ખરીદીમાં કોઈ ગડબડ થઈ નથી

અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા અપાતા દાનમાં મોટી ચોરી થઈ હોવાના ઘટ્ટસ્ફોટ પછી સરકારે હવે જણાવ્યું છે કે મંદિરના રૂા.3300 કરોડના હિસાબમાં કોઈ ગડબડ નથી. ફકત શ્રદ્ધાળુઓ દ્વારા જે રોકડ દાન આપવામાં આવ્યું હતું તેમાં ગણતરી સમયે કેટલાક લોકોએ ચોરી કરી હતી જે હવે પોલીસ તપાસ કરી રહી છે. દાનચોરીનો મામલો સંસદ સુધી ગાજયો છે અને મંદિરમાં શ્રદ્ધાળુઓએ સોના અને ચાંદીની કિંમતની ભેટો આપી હતી તે પણ બારોબાર ગુમ થઈ હોવાના અહેવાલ આવ્યા હતા. એટલું જ નહી મંદિર નિર્માણ સમયે જમીન ખરીદી સહિતના પણ મોટા ગોટાળા હોવાનું ચર્ચાયુ હતું. તે વચ્ચે સરકારે હવે આ અંગે તપાસ કરવા એક સ્વતંત્ર ઓડીટર એમ.એસ.વિ.શૈકરઐય્યર એન્ડ કંપનીને પુરા હિસાબનું ઓડીટ સોંપાયુ હતું. સરકારના સૂત્રોના જણાવ્યા મુજબ ટ્રસ્ટે રૂા.1800 કરોડની રકમ મંદિર નિર્માણ અને રૂા.400 કરોડની જમીન ખરીદી કરી હતી. જે તમામ વ્યવહારો બેંકીંગ વ્યવસ્થા મારફત થયા છે. કોઈ રોકડ લેવડદેવડ થઈ નથી તથા તમામ પ્રક્રિયા પારદર્શક રીતે થઈ છે અને તમામ ખર્ચ નિયમ મુજબ થયા છે. સરકારના દાવા મુજબ આ પ્રકારે પુરા ટ્રસ્ટની કામગીરીમાં કોઈ ગોટાળા થયા નથી. ફકત રોકડ દાનની ગણતરી સમયે કેટલાક કર્મચારીઓએ જે ચોરી કરી હતી અને તે રકમ બહાર લઈ ગયા હતા તેમાં સ્ટેટ બેંકના તરફથી નિયુક્ત સૈનિક સિકયુરીટી સર્વિસીઝના છ કર્મચારી પણ સંડોવાયેલા છે તેમની ઓળખ કરીને ધરપકડ કરવામાં આવી છે. પરંતુ તેમાંથી કોઈ મંદિર, ટ્રસ્ટ કે વહીવટી વિભાગના કર્મચારી ન હતા. સરકારે જણાવ્યું કે સમગ્ર મામલાની તપાસ સુપ્રીમકોર્ટ નિયુક્ત આઈપીએસ સહિતના ખાસ અધિકારીની ટીમ કરી રહી છે. મંદિરમાં જમીન ખરીદીમાં પણ કોઈ ગોટાળા થયા નથી. એટલું જ નહી દાનચોરીની માહિતી બહાર આવ્યા બાદ મંદિરમાં શ્રદ્ધાળુઓનો પ્રવાહ યથાવત છે અને દર મહિને રૂા.5 કરોડની રકમ અલગ અલગ પ્રકારે દાન પેટે મળે છે.

રિલેટેડ ન્યૂઝ