ભારતે ત્રીજી ટી20માં દ.આફ્રિકાને 7 વિકેટથી હરાવ્યું: ટીમે 2-1ની લીડ લીધી

અભિષેક-ગિલની ફિફ્ટીની ભાગીદારી, 4 બોલર્સે 2-2 વિકેટ લીધી

ભારતે ટી20 સિરીઝના ત્રીજા મુકાબલામાં સાઉથ આફ્રિકાને 7 વિકેટે હરાવ્યું હતું. ટીમે 118 રનનો ટાર્ગેટ 15.5 ઓવરમાં 3 વિકેટે ચેઝ કરી લીધો હતો. શિવમ દુબેએ સતત બે બોલ પર છગ્ગો અને ચોગ્ગો ફટકારીને ટીમને જીત અપાવી હતી. શિવમ દુબે 10 રન બનાવીને અણનમ રહ્યો, જ્યારે તિલક વર્માએ પણ અણનમ 26 રન બનાવ્યા હતા. ટોપ ઓર્ડરમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવે 12, અભિષેક શર્માએ 35 અને શુભમન ગિલે 28 રન બનાવ્યા હતા.
અગાઉ, ધર્મશાલા સ્ટેડિયમમાં રવિવારે સાંજે ભારતીય ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. પહેલા બેટિંગ કરવા ઉતરેલી આફ્રિકી ટીમ 117 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી.
ટીમે માત્ર 7 રન પર જ 3 વિકેટ ગુમાવી દીધી હતી, જેમાં ક્વિન્ટન ડી કોક (1), રીઝા હેન્ડ્રિક્સ (0) અને ડેવાલ્ડ બ્રેવિસ (2) રન બનાવીને આઉટ થયા હતા.
તેવામાં એડન માર્કરમે (61 રન) એક છેડેથી ઇનિંગ્સ સંભાળી, જ્યારે બીજા છેડેથી વિકેટો પડતી રહી. માર્કરમે 61 રનની સંઘર્ષપૂર્ણ ઇનિંગ્સ રમી, તેના સિવાય ડોનોવન ફરેરાએ 20 રનનું યોગદાન આપ્યું. ભારત તરફથી અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી અને કુલદીપ યાદવે 2-2 વિકેટ ઝડપી, જ્યારે હાર્દિક પંડ્યા અને શિવમ દુબેને 1-1 વિકેટ મળી હતી.
જવાબી ઇનિંગ્સમાં ભારતીય ઓપનર્સે વિસ્ફોટક શરૂઆત અપાવી. અભિષેક-ગિલની જોડીએ 31 બોલમાં 68 રનની ભાગીદારી કરી. અભિષેક શર્મા (18 બોલમાં 35 રન)ના આઉટ થયા બાદ તિલક વર્માએ ટીમને જીત સુધી પહોંચાડી હતી.

રિલેટેડ ન્યૂઝ