ઈન્ડિયા એઆઈ ઈમ્પેકટ સમીટ 2026માં ગુગલ અને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈએ ભારતની ઝડપી પ્રગતિની પ્રશંસા કરી હતી. તેમણે વિશાખાપટ્ટનમમાં 15 અબજ ડોલરના રોકાણથી ગીગાબાઈટ સ્તરીય એઆઈ હબ અને સબસી કેબલ ગેટવે સ્થાપિત કરવાની જાહેરાત કરી હતી.
પિચાઈએ કહ્યું હતું કે અહીંની પ્રગતિની ગતિ જોઈને આશ્ર્ચર્ય થાય છે. આ વખતે પણ આવો જ અનુભવ રહ્યો.વડાપ્રધાન મોદી અને અન્ય નેતાઓની હાજરીમાં પિચાઈએ પોતાના છાત્ર જીવનની યાદો શેર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જયારે તે ચેન્નઈથી આઈઆઈટી ખડગપુર ભણવા માટે કોરોમંડલ એકસપ્રેસથી યાત્રા કરતો હતો તો રસ્તામાં વિશાખાપટ્ટનમમાં પસાર થતો હતો એ સમયે આ એક શાંત તટીય શહેર હતાં જેમાં સંભાવનાઓ તો હતી, પરંતુ વિકાસ સીમીત હતો. પિચાઈએ કહ્યું હતું કે આજે આ શહેર ગુગલના ભારતમાં 15 અબજ ડોલરના પાયાના માળખાના રોકાણનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. પિચાઈએ કહ્યું હતું કે અહીં એક પૂર્ણ સ્તરીય એઆઈ હબ સ્થાપિત કરવામાં આવશે. તેના પુરાં થવા પર તેનાથી ગીગાબાઈટ-સ્તરની કોમ્પ્યુટીંગ ક્ષમતા વધશે અને એક નવું આંતરરાષ્ટ્રીય સબસી કેબલ ગેટવે પણ બનાવવામાં આવશે. આથી પુરા દેશમાં રોજગારના અવસર વધશે અને અત્યાધુનિક એઆઈ ટેકનીક સામાન્ય લોકો અને કારોબાર સુધી પહોંચશે.
