બગસરાના મેઘાણીનગરમાં સાર્વજનિક પ્લોટમાં દબાણ અને વગર પરમિશને વૃક્ષોનું નિકંદન

પ્રકૃતિ પ્રેમી તેમજ સ્થાનિક રહીશોમાં ભારે રોષ, વહીવટી તંત્ર અહીં ફરકતું નથી

બગસરાના મેઘાણીનગર વિસ્તારમાં આવેલ સાર્વજનિક પ્લોટમાં હાલમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કારણે વિવાદના કેન્દ્રમાં આવ્યો છે. સ્થાનિક રહીશોની જાણકારી મુજબ, કેટલાક લોકો દ્વારા આ સાર્વજનિક જમીન પર કબ્જો જમાવીને ખાનગી ગાડીઓના પાર્કિંગ માટે શેડ બનાવવામાં આવ્યો છે. આ જગ્યા વર્ષોથી બાળકોના રમવા માટે અને બગીચા તરીકે વિસ્તારની ખુલ્લી જગ્યા તરીકે ઉપયોગમાં લેવાતી હતી, પરંતુ હવે તેના પર દબાણ થતા આ વિસ્તારના રહીશોમાં ભારે નારાજગી અને આક્રોશ જોવા મળી રહ્યો છે. આ ગેરકાયદેસર બાંધકામ દરમિયાન અહીં ઉભેલા અનેક મહાકાય વૃક્ષોને પણ વગર પરવાનગી બેરહમીથી કાપી નાખવામાં આવ્યા છે, જેના કારણે પર્યાવરણને મોટું નુકસાન પહોંચ્યું છે. તેમજ પ્રકૃતિ પ્રેમીઓમાં નારાજગી જોવા મળી છે.
રહીશોનો આરોપ છે કે વહીવટી તંત્રના મૌનનો લાભ ઉઠાવીને જાહેર મિલકતને ખાનગી વપરાશ માટે પચાવી પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિને કારણે માત્ર બાળકોની રમવાની જગ્યા જ છીનવાઈ નથી, પરંતુ આ વિસ્તારમાં કુદરતી પ્રકૃતિ જેનાથી લોકોને ઓક્સિજન મળે છે તેવાં મહાકાય વુક્ષને પણ વગર પરમિશન કાપીને તત્કાલ ત્યાંથી હટાવી પણ દેવામાં આવ્યું છે જેના લીધે પ્રકૃતિ પ્રેમિમાં નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિક લોકોએ હવે વહીવટી તંત્ર પાસે કડક કાર્યવાહીની માંગ કરી છે.
રહીશોનું કહેવું છે કે વન વિભાગે ગ્રીન કવરને નુકસાન પહોંચાડનારા અને વૃક્ષોનું નિકંદન કાઢનારા જવાબદાર વ્યક્તિઓ સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. આ ઉપરાંત, નગરપાલિકાએ ત્વરિત પગલાં ભરીને આ ગેરકાયદેસર દબાણને દૂર કરવું જોઈએ અને આ સાર્વજનિક પ્લોટને બાળકોની રમતગમતની પ્રવૃત્તિઓ માટે ફરીથી ખુલ્લો કરી આપવી જોઈએ. જયારે આ બાબતે પાલિકા પ્રમુખ નીરવ ગોંડલીયાને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે અમોને આ બાબતે કોઈ ખ્યાલ નથી તેમજ અમારી પાસે કોઈ વુક્ષ કાપવાની મંજૂરી લેવામાં આવી નથી જે કોઈ આમાં જવાબદાર હશે તેના ઉપર કાર્યવાહી કરવામાં આવશે. વન વિભાગમાં આ બાબતે પૂછતાં તેમણે જણાવ્યું કે આવા લોકો જેણે આવા મહાકાય વૃક્ષને કાપી નાખ્યું છે તેના ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ. જયારે સ્થાનિક લોકો દ્વારા કહેવામાં આવ્યું કે આમાં રાજકીય નેતાની સંડોવાણી હોવાથી કોઈ પણ વહીવટી તંત્ર અહીંયા ફરકતું નથી. આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ