મધ્ય પૂર્વમાં અમેરિકા-ઇઝરાયેલ તથા ઇરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુધ્ધના કારણે સર્જાયેલી ગેસ કટોકટી દૂર કરવા માટે સરકારે એક પછી એક કદમ ઉઠાવી રહી છે. હવે પીએનજી (પાઇપલાઇન ગેસ) હોવા છતાં સીલીન્ડર ધરાવતા ગ્રાહકો પર તવાઇ ઉતારવામાં આવી છે. પાઇપ ગેસ ધરાવતા ગ્રાહકો પાસે ઘરેલું સિલિન્ડર હોય તો તે પરત કરી દેવાની તાકિદ કરવામાં આવી છે અને બુધવાર સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.
સરકાર દ્વારા તેમ કહેવામાં આવ્યું છે કે પીએનજી કનેક્શન ધરાવતા ગ્રાહકોને કોઇપણ સરકારી ગેસ કંપનીમાંથી ઘરેલું સિલિન્ડર આપવામાં નહીં આવે સરકાર પાસે પીએનજી અને ઘરેલું સિલિન્ડર એમ બંને જોડાણ ધરાવતા ગ્રાહકોની સંખ્યાનો ચોક્કસ આંકડો નથી પરંતુ આ સંખ્યા ઘણી મોટી હોવાનું અનુમાન વ્યકત થઇ રહ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા ગેઝેટ નોટીફીકેશન ઇસ્યુ કરવામાં આવ્યું છે અને તેમાં
આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ આ જોગવાઇ દાખલ કરવામાં આવી છે. સરકારે તેલ કંપનીઓને પણ એવી સુચના આપી છે કે પીએનજી ધરાવતા ગ્રાહકોને સીલીન્ડર-રીફીલ કરી દેવામાં ન આવે. પેટ્રોલીયમ મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું કે ગેસ અછતને કારણે ઘરેલું ગેસના બુકીંગમાં જબરદસ્ત વધારો થયો હતો. ફેબ્રુઆરી મહિનામાં 55.7 લાખ સીલીન્ડર બુક થયા હતા તેની સામે 13મી માર્ચે આ આંકડો 88.8 લાખ પર પહોંચી ગયો હતો અને તેના કારણે સરકારને કડક વલણ અપનાવવાની ફરજ પડી છે.
પેટ્રોલીયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું હતું કે રાંધણ ગેસની સપ્લાય નોર્મલ હોવા છતાં હજુ ચિંતાનો વિષય છે જ, સરકાર દ્વારા ઘરેલું વપરાશકારોને સપ્લાયમાં કોઇ અવરોધ ન સર્જાય તેની કાળજી લેવામાં આવી રહી છે. આ સિવાય શૈક્ષણિક સંસ્થાઓ તથા હોસ્પીટલોને પણ પ્રાયોરીટી ક્ષેત્રમાં રાખવામાં આવ્યા છે. રાંધણ ગેસ ખરીદવા માટે સરકાર જુદી-જુદી દિશામાં નજર દોડાવી રહી છે. ઉપરાંત ઘરેલું ઉત્પાદનમાં પણ 31 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. સરકારી તેલ કંપનીઓને ઓનલાઇન બુકીંગનો જ આગ્રહ રાખવા કહેવાયું છે. ગ્રાહકો એજન્સીમાં રૂબરૂ જઇને બુકીંગ માટે દબાણ ન કરે તેવી પણ તાકિદ કરવામાં આવી છે. 84 ટકા લોકોએ સીલીન્ડરનું ઓનલાઇન બુકીંગ કરાવવામાં આવ્યું છે. ડીજીટલ પ્લેટફોર્મ પરથી ઘરેલું સીલીન્ડરનું સરળતાથી બુકીંગ થઇ જ રહ્યું છે. આ સિવાય વોટ્સએપ, એસએમએસ અને મોબાઇલ એપ્લીકેશનની સુવિધા પણ આપવામાં આવી છે. એજન્સી પાસે રૂબરૂ જવાના બદલે ઓનલાઇન બુકીંગ કરાવવા ગ્રાહકોને સરકારે અનુરોધ કર્યો છે. સરકાર દ્વારા ઘરેલું અને કોમર્શીયલ વિજ ગ્રાહકોને પાઇપલાઇન ગેસનું કનેકશન મેળવવા પણ તાકિદ કરવામાં આવી રહી છે. સમગ્ર દેશમાં 307 ભૌગોલિક વિસ્તારોમાં પાઇપલાઇન ગેસ ઉપલબ્ધ છે.
