તેમનું જીવન અડગ દેશભકિતનું પ્રેરણાદાયી પ્રતિક
ભારતની અખંડતા, રાષ્ટ્રીય એકતા અને શિક્ષણના ઉચ્ચ આદર્શોને પોતાના જીવનનું ધ્યેય બનાવનાર મહાન રાષ્ટ્રચિંતક પ્રખર શિક્ષણવિદ્,
દ્રષ્ટાવાન રાજનેતા અને ભારતીય જનસંઘના સ્થાપક ડો.શ્ર્યામાપ્રસાદ મુખરજીની આજે તા.6 જુલાઇના રોજ જન્મજયંતિ નિમિત્તે તેમને શત્ શત્ વંદન કરી ભાવભીની પુષ્પાંજલિ અર્પણ કરતા ધારાસભ્ય ઉદય કાનગડએ જણાવેલ કે, ડો.શ્ર્યામાપ્રસાદ મુખરજીનું સમગ્ર જીવન રાષ્ટ્રસેવા, સિદ્ધાંતનિષ્ઠા અને અડગ દેશભક્તિનું પ્રેરણાદાયી પ્રતિક છે. તેમણે શિક્ષણને માત્ર જ્ઞાન પ્રાપ્ત કરવાનો માર્ગ નહીં રાષ્ટ્રનિર્માણનું સૌથી શક્તિશાળી સાધન માન્યું હતું. કલકત્તા યુનિવર્સિટીના સૌથી યુવા કુલપતિ તરીકે તેમણે ભારતીય શિક્ષણવ્યવસ્થાને નવી દિશા આપી અને સમાજના સર્વાંગી વિકાસ માટે શિક્ષણના મહત્વને ઉજાગર કર્યું. ડો. મુખરજીનું નામ જમ્મુકાશ્ર્મીરના સંપૂર્ણ એકીકરણના સંકલ્પ સાથે અવિભાજ્ય રીતે જોડાયેલું છે. એક દેશમાં બે વિધાન બે પ્રધાન અને બે નિશાન નહીં ચાલે તેમનો આ પ્રખર સંદેશ માત્ર એક સૂત્ર નહોત, પરંતુ ભારતની અખંડતા અને એકતામાં તેમની અડગ શ્રદ્ધાનું પ્રતિબિંબ હતું. આ સંકલ્પ માટે તેમણે પોતાના જીવનનું સર્વોચ્ચ બલિદાન આપ્યું.
