જૂનાગઢ જીલ્લા વહીવટી તંત્રનો સંકલ્પ સુસજ્જ આંગણવાડી, સુરક્ષિત બાળપણ

જીલ્લામાં આંગણવાડીઓના નવીનીકરણ ઝુંબેશ અંતર્ગત 415 આંગણવાડીઓમાં સમારકામ પૂર્ણ : 152 કેન્દ્રોમાં કામગીરી પ્રગતિ હેઠળ

જૂનાગઢ જિલ્લામાં આંગણવાડીઓના નવીનીકરણનું ઝુંબેશ અંતર્ગત 415 આંગણવાડીઓમાં સમારકામની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જયારે 152 કેન્દ્રોમાં કામગીરી પ્રગતિ હેઠળ છે. રાજય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યના આંગણવાડી કેન્દ્રોને વધુ સુદ્રઢ, સુરક્ષિત અને આધુનિક બનાવવાના હેતુથી તા. 16 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી, 2026 દરમિયાન ‘આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ’ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં કાર્યરત કુલ-1249 આંગણવાડી કેન્દ્રો પૈકી પોતાના મકાન ધરાવતા કુલ-860 આંગણવાડી કેન્દ્રોમાં આ ઝુંબેશ અંતર્ગત રંગકામ, નાના-મોટા સમારકામ, અંદર-બહાર સ્વચ્છતા અને સૌંદર્યીકરણની કામગીરી કરવામાં આવી હતી. જેથી આંગણવાડી કેન્દ્રોનું ભૌતિક માળખુ મજબૂત મળ્યુ અને બાળકો માટે આકર્ષક વાતાવરણ ઊભું થયુ છે.જૂનાગઢ જિલ્લામાં કુલ 860 આંગણવાડી કેન્દ્રો પોતાના મકાન ધરાવે છે. જેમાંથી 622 કેન્દ્રોને નવીનીકરણ ઝુંબેશ હેઠળ આવરી લેવા માટે પાત્ર ગણવામાં આવ્યા છે. જે પૈકી નાના સમારકામમાં રૂ. 8,500/- ની ગ્રાન્ટ હેઠળ અત્યાર સુધીમાં કુલ-415 આંગણવાડીઓમાં કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે, જ્યારે કુલ-152 કેન્દ્રોમાં કામ અત્યારે પ્રગતિ હેઠળ છે. મોટું સમારકામમાં રીપેરીંગ અને મેઈન્ટેનન્સના રૂ. 2.00 લાખ હેઠળ કુલ-13 કેન્દ્રોમાં કામગીરી પૂર્ણ થઈ છે અને કુલ-39 કેન્દ્રોમાં રીનોવેશન અને મેઈન્ટેનન્સની કામગીરી ચાલુ છે. જિલ્લામાં અન્ય સરકારી ભંડોળ હેઠળ પણ 3 આંગણવાડીઓમાં આધુનિકીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.આ ઝુંબેશ માત્ર મરામત પૂરતી સીમિત નથી. આ ઝુંબેશ હેઠળ કુલ-100 ગુણના સ્કોરકાર્ડ આધારે દરેક ઘટક, નગરપાલિકા તથા જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ 3 આંગણવાડીઓની પસંદગી કરી પુરસ્કાર/પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. જેમાં દીવાલોની સ્થિતિ, પીવાનું શુદ્ધ પાણી, શૌચાલયની સુવિધા, ભિંત ચિત્રો (વોલ પેઇન્ટીંગ) અને પોષણ વાટિકા જેવા 25 જેટલા વિવિધ માપદંડોને ધ્યાને લેવામાં આવશે.જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી એચ.પી.પટેલ અને જૂનાગઢ જિલ્લા પ્રોગ્રામ અધિકારી સુશ્રી વત્સલાબેન દવે, માર્ગદર્શન હેઠળ આ ઝુંબેશને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરી, બાળકોને સુસજ્જ અને સુરક્ષિત આંગણવાડી કેન્દ્રો ભેટ આપવાનો લક્ષ્યાંક છે.

રિલેટેડ ન્યૂઝ