મનહરપુરમાં ચામુંડા માતાજીના મઢમાંથી ચોરી કરનાર તસ્કરની ધરપકડ નશાની ટેવ ધરાવતો કૌટુંબીક બંધુ જ ચોર નીકળ્યો

માધાપર વિસ્તાર નજીક મનહરપુરમાં આવેલ ચામુંડા માતાજીના મઢમાંથી સોનાના મુગટ અને ચાંદીના ફરા સહીત રૂ. 1.16 લાખના આભૂષણોની ચોરી થઇ જવા પામી હતી. જે બનાવને પગલે એલસીબી ઝોન-2 ટીમે તાત્કાલિક જ તસ્કરને દબોચી લઇ સોનાનો મુગટ રિકવર કર્યો હતો.
બનાવ અંગે માધાપર ચોકડી નજીક મનહરપુર-1 માં રહેતા 32 વર્ષીય યુવાન વિજયભાઇ દિનેશભાઈ ભાણોધરાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમનો શેરીમાં ચામુંડા માતાજીનો મઢ (મંદીર) આવેલ હોય જેની પુજા હું તથા મારા પરીવારના સભ્યો કરીએ છીએ. જે મઢની ત્રણ ચાવી પૈકી એક મારી પાસે જયારે અન્ય બે ચાવીઓ ચંદુભાઇ અને અશ્વિનભાઈ પાસે હોય છે.
ગઈ તા.09 ના સવારના સવા છ વાગ્યા આસપાસ તેઓ પૂજા કરવા જતાં મઢમાંથી માતાજીનો રૂ. 60 હજારનો સોનાનો મુગટ અને રૂ. 56 હજારની કિંમતના ચાંદીના ફરા મળી આવ્યા ન હતા. જેથી યુનિવર્સીટી પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
ચોરીની ઘટનાને પગલે એલસીબી ઝોન-2 પીએસઆઈ આર એચ ઝાલાની ટીમે સીસીટીવી ફૂટેજ, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના ફૂટેજ, બાતમીદારો અને ટેક્નિકલ સોર્સના માધ્યમથી તસ્કરને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાન સંયુક્ત બાતમીના આધારે ચોરીને અંજામ આપનાર મહેશ કાનજી બાણોધરા (ઉવ.40 રહે. મનહરપુર-1, માધપાર ચોકડી, રાજકોટ) ને ઝડપી લઇ રૂ.60 હજારની કિંમતનો સોનાનો મુગટ કબ્જે કર્યો હતો. જયારે ચાંદીના ફરા રીકવર કરવા તજવીજ આદરી હતી.
વધુમાં પોલિસ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર ઝડપાયેલો શખ્સ ફરિયાદીનો કૌટુંબિક ભાઈ થાય છે. તે નશાની ટેવ ધરાવતો હોય અને નશા માટે પૈસા નહિ હોવાથી તેણે મઢમાંથી ચોરીને અંજામ આપ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ