વરસાદી પાણીના સંગ્રહ અને ખેડુતોની આર્થિક ઉન્નતી અંગે ગ્રામજનોને માર્ગદર્શન અપાયું
અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના સમઢીયાળા અને માવજીંજવા ગામમાં વિશેષ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આયોજિત આ સભાનો મુખ્ય હેતુ વરસાદી પાણીનું યોગ્ય જતન કરી ગ્રામ્ય અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવાનો હતો. ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયાએ આ ગ્રામસભામાં ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે, ખેતી અને ગ્રામ્ય અર્થતંત્રનો મજબૂત આધાર જળસંચય છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ છેલ્લા ઘણા સમયથી લોકભાગીદારી દ્વારા ચેકડેમ ઊંડા ઉતારવા, ખેત તલાવડીઓ બનાવવી અને બોર રિચાર્જ જેવા ભગીરથ કાર્યો કરી રહ્યું છે. જો આપણે વરસાદી પાણીને ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં રોકી શકીશું, તો જ ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવશે. જળસંગ્રહ એ માત્ર પાણી બચાવવાનું કાર્ય નથી, પરંતુ આવનારી પેઢીને સુખી અને સંપન્ન બનાવવાનું અભિયાન છે. ગ્રામસભામાં પાણીના એક-એક ટીપાની કિંમત સમજાવીને તેને જમીનમાં ઉતારવા માટેના વિવિધ નુસખાઓ અને પદ્ધતિઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી. ગ્રામજનોએ પણ ટ્રસ્ટની આ કામગીરીને બિરદાવી હતી અને જળસંચયના આ અભિયાનમાં સહયોગ આપવાની ખાતરી આપી હતી. આ ગ્રામસભામાં સમઢીયાળા ગામના સરપંચ જીવરાજભાઈ ગઢિયા, બરવાળા બાવીશીના અરવિંદભાઈ ડોબરિયા, હુરેશભાઈ ભેંસદળીયા અશોકભાઈ ગઢીયા, ભરતભાઈ હિરાણી, મનીષભાઈ ગઢીયા, રોહિતભાઈ બરવાળીયા તેમજ માવજીંજવા ગામે સરપંચ મહેશભાઈ શભારીયા, વિઠ્ઠલભાઈ તળાવીયા, કિશોરભાઈ હિરપરા, ઘનશ્યામભાઇ ધામેલીયા મનસુખભાઈ રફાળીયા વગેરે ગામના લોકો હાજર રહ્યા હતા.
