અંતિમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્વ પટેલે આપી હાજરી : ત્રણ દિવસ યોજાયા વિવિધ કાર્યક્રમો
વેરાવળમાં પરમ પૂજ્ય દાદા ભગવાન પ્રેરિત નિષ્પક્ષપાતી ત્રિમંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા.13 થી 15 ફેબ્રુઆરી દરમિયાન દીપકભાઈ ની નિશ્રામાં યોજાયો હતો. જેમાં અંતિમં દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્વ પટેલે હાજરી આપી. આ મહોત્સવમાં રાજ્યભરના અને બહારથી મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. મંદિરમાં વૈદિક મંત્રોચ્ચાર, પૂજનવિધિ, યજ્ઞ, ભજન-કીર્તન અને સત્સંગ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.મહોત્સવના અંતિમ દિવસે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ત્રિમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ નિહાળી અને આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. નિષ્પક્ષપાતી ત્રિમંદિર સર્વધર્મ સમભાવનું પ્રતિક છે. અહીં કોઈપણ પંથ કે સંપ્રદાયનો ભેદભાવ રાખ્યા વિના આત્મજ્ઞાનના માર્ગે આગળ વધવાની પ્રેરણા આપવામાં આવે છે. આ તીર્થધામ માનવમાત્રને આત્મસાક્ષાત્કાર તરફ દોરી જવાનું કાર્ય કરે છે.મહોત્સવ દરમિયાન યોજાયેલા સત્સંગોમાં આત્મજ્ઞાન, જીવનમૂલ્યો અને આધ્યાત્મિક જાગૃતિ અંગે માર્ગદર્શન અપાયું હતું. “જ્ઞાનવિધિ” દ્વારા અનેક ભાવિકોએ આત્મજ્ઞાન પ્રયોગનો લાભ લઈ સ્વરૂપજ્ઞાનની અનુભૂતિ કરી હતી. ત્રણ દિવસ સુધી વેરાવળ શહેરમાં ભક્તિમય માહોલ રહ્યો હતો. સ્થાનિક યુવાનો અને સેવાભાવી કાર્યકરોએ સેવા, સ્વાગત અને વ્યવસ્થામાં સહકાર આપ્યો હતો. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આધ્યાત્મિક એકતા અને માનવ કલ્યાણનો સંદેશો આપતો એક મહત્વપૂર્ણ પ્રસંગ બની રહ્યો.
