કલ્યાણપુરના ભોગાત ગામે ગેરકાયદેસર માટીનું બેફામ ખનન: 3 વાહન કબ્જે

પોલીસે બે ટ્રેકટર કબજે કરી ત્રણ શખ્સો સામે ગુનો નોંધ્યો

દ્વારકા પંથકમાં ઘણા સમયથી ગેરકાયદે બોકસાઇટ માટી સહીતનું બેફામ ખનન થઇ રહ્યું છે. કલ્યાણપુરના ભોગાત ગામે ગેરકાયદે માટીના ખનન પર પોલીસે દરોડો પાડી જેસીબી બે ટ્રેકટર મળી ત્રણ વાહનો કબજે કરી ત્રણ શખ્સ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
કલ્યાણપુર પંથકમાં ગેરકાયદેસર રીતે થતી ખનીજ ચોરી સામે કડક હાથે કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા તથા ડીવાયએસપી સાગર રાઠોડની સૂચના મુજબ કલ્યાણપુરના પી.આઈ. આર.એન. હાથલીયા તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં પેટ્રોલિંગ દરમ્યાન કોન્સ્ટેબલ ભરતભાઈ ગોજીયાને મળેલી બાતમીના આધારે કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામ નજીકથી કેટલાક શખ્સો રોયલ્ટી, પાસ-પરવાના કે આધાર વગર પોતાના વાહનમાં જેસીબી વડે ખોદીને જુદા જુદા બે ટ્રેક્ટરની ટોલીમાં ગેરકાયદેસર રીતે માટી (મોરમ) ભરીને અનધિકૃત રીતે વહન કરતા હોવાથી પોલીસે દરોડાની કાર્યવાહી કરી હતી. જેમાં પોલીસે એક જેસીબી તથા બે ટ્રેક્ટર કબજે કરી, તેના ચાલક એવા ભોગત ગામના આરીફ ભીખુભાઈ માલેક, પ્રદીપ કનુભા વાઢેર અને વિજય વીરાભાઈ આંબલીની અટકાયત કરી, આ ટ્રેક્ટર-ટ્રોલી સહિતનો મુદ્દામાલ કલ્યાણપુર પોલીસને સોંપવામાં આવ્યો છે. જે અંગે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ