પડધરીના ખાખરાબેલાના યુવાનની હત્યા કરનાર બેલડીની રાજસ્થાન બોર્ડરથી ધરપકડ

દૂષ્કર્મના કેસમાં સમાધાન નહી કરતાં બન્ને શખ્સે ખૂની ખેલ ખેલ્યો’તો

પડધરીના ખાખરાબેલા ગામે રહેતા યુવાને દૂષ્કર્મના કેસમાં સમાધાન નહી કરતાં બે શખ્સોએ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો. જે ચકચારી હત્યા કેસમાં પોલીસે બે શખ્સોની રાજસ્થાન બોર્ડરથી ધરપકડ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ પડધરીના ખાખરાબેલા ગામે રહેતા અને રાજકોટમાં અયોધ્યા ચોક પાસે વાહન સીઝીંગનો વ્યવસાય કરનાર યુવરાજસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા (ઉ.વ. 40) નામના યુવાન પર રાત્રીના અજાણ્યા શખસોએ ખાખરાાબેલા ગામ નજીક રોડ પર તેમની હેરિયર લઇને ઉભા હતાં ત્યારે છરીના આડેધડ ઘા ઝીંકી યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક યુવરાજસિંહે વર્ષ 2024 માં પડધરી પોલીસ મથકમાં મહેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા, યશપાલસિંહ રસિકસિંહ જાડેજા અને અજયસિંહ વિરૂધ્ધ દુષ્કર્મ પોકસોની કલમ હેઠળ ફરિયાદ દાખલ કરાવી હતી. જે ગુનામાં હાલ અજયસિંહ જેલમાં છે જ્યારે મહેન્દ્રસિંહ અને યશપાલસિંહ બંને ફરાર છે. ફરાર આરોપીઓ મહેન્દ્રસિંહ અને યશપાલસિંહ વખતો વખત મૃતક યુવાનને આ કેસમાં સમાધાન કરી લેવા માટે કહેતા હતા. પરંતુ યુવાન સમાધાન કરવા માટે તૈયાર ન હોઇ જે બાબતનો ખાર રાખી હત્યા કરાવમાં આવી હતી. હત્યારા શખ્સોને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસને સફળતા મળી હોય તેમ યુવકને મોતને ઘાટ ઉતારનાર મહેન્દ્રસિંહ અને યશપાલસિંહને ઝડપી લીધા હતા. ઝડપાયેલા બંને શખ્સના રિમાન્ડ મેળવવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ