પૂર્વ આયોજન વગર કામગીરી કરતા લાખોનું નુકશાન થયાની લોકોમાં ચર્ચા
ધોરાજી નગરપાલિકા દ્વારા જમનાવાડ રોડ પર આવેલા હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં થોડા સમય અગાઉ લાખો રૂપિયાના ખર્ચે કરવામાં આવેલ પેવર બ્લોકનું કામ અચાનક જેસીબી મશીન દ્વારા ઉખેડી નાખવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ અને આશ્ચર્યની લાગણી ફેલાઈ છે.
તાજેતરમાં તૈયાર કરવામાં આવેલા પેવર બ્લોકના રસ્તાને ફરીથી તોડી પાડવાની કાર્યવાહીથી નગરપાલિકાના આયોજન અને કાર્યપદ્ધતિ સામે અનેક સવાલો ઊભા થયા છે. સ્થાનિકોમાં ચર્ચા ચાલી રહી છે કે શું આ તંત્રની અણઆવડત છે કે પછી બેદરકારી અને મૂર્ખામીનું પરિણામ છે? શું કોઈ પૂર્વ આયોજન વિના જ લાખો રૂપિયાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું?
સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે જો ભવિષ્યમાં આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઊભી થવાની હતી, તો સૌપ્રથમ પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવામાં આવવી જોઈએ હતી. ડ્રેનેજ અથવા વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કર્યા બાદ જ પેવર બ્લોકનું કામ કરવામાં આવતું તો આજે ફરીથી રસ્તો ઉખાડવાની નોબત આવી ન હોત.
પ્રજાના કરવેરાના પૈસાથી કરવામાં આવતા વિકાસ કાર્યોમાં યોગ્ય આયોજન અને દીર્ઘદૃષ્ટિનો અભાવ હોવાના આક્ષેપો પણ ઉઠી રહ્યા છે. ટૂંકા ગાળામાં જ બનાવેલા માર્ગને ફરીથી તોડી પાડવાથી જાહેર નાણાંનો વેડફાટ થયો હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે. સ્થાનિકોમાં એવો પણ સવાલ ઉઠી રહ્યો છે કે જો કામગીરીમાં ખરેખર આયોજનનો અભાવ અથવા બેદરકારી સામે આવશે તો શું જવાબદાર અધિકારીઓ અને સંબંધિત તંત્ર સામે કોઈ પગલાં લેવામાં આવશે કે નહીં? પ્રજાના પૈસાનો આ પ્રકારનો વેડફાટ ક્યાં સુધી સહન કરવો પડશે તે અંગે પણ લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.
હાલ સમગ્ર મામલે ધોરાજી નગરપાલિકા તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી, પરંતુ હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં થયેલી આ કામગીરીને લઈને નાગરિકોમાં ભારે ચર્ચા ચાલી રહી છે અને જવાબદાર તંત્ર પાસેથી સ્પષ્ટ જવાબ તેમજ જવાબદારી નક્કી કરવાની માંગ ઉઠી રહી છે.
