બાળકને માથા-પીઠે શ્ર્વાને ગંભીર ઈજા કરતા અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો
અમરેલી જિલ્લામાં સિંહ અને દીપડાના વધતા હુમલાઓ વચ્ચે હવે રખડતા શ્વાનોનો આતંક પણ ચિંતાજનક બન્યો છે. લાઠી તાલુકાના અડતાળા ગામે હડકાયા શ્વાને ત્રણ વર્ષના માસૂમ બાળક પર જીવલેણ હુમલો કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક અમરેલીની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
આ બનાવમાં મળતી વિગત મુજબ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના અડતાળા ગામમાં રખડતા શ્વાનના હુમલાની ગંભીર ઘટના સામે આવી છે. જેમાં અડતાળા ગામે રહેતા વિજયભાઈ રાતડીયાનો ત્રણ વર્ષનો પુત્ર ભીમો આજે સવારે પોતાના ઘરની ડેલી બહાર નીકળી રહ્યો હતો. તે દરમિયાન અચાનક એક ધસી આવેલા હડકાયા શ્વાને માસૂમ બાળક પર હિંસક હુમલો કર્યો હતો.
હડકાયા શ્વાનના હુમલાથી ગભરાયેલ બાળકની ચીસો સાંભળીને આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અને લાકડીઓ તથા પથ્થરની મદદથી શ્વાનને ભગાડી બાળકને હડકાયા શ્વાનના ચુંગાલમાંથી છોડાવ્યો હતો. આ શ્વાને બાળકના માથા અને પીઠના ભાગે અનેક બચકાં ભરતા બાળક લોહીલુહાણ થઈ ગયું હતું. .
આ બનાવમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત ભીમાને પ્રથમ લાઠી તાત્કાલિક સારવાર આપી બાદમાં વધુ સારવાર માટે અમરેલીની શાંતાબા ગજેરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સઘન સારવાર ચાલી રહી છે.
આ ઘટનાએ સમગ્ર અડતાળા ગામમાં ભયનો માહોલ સર્જ્યો છે. રખડતા અને હડકાયા શ્વાનોના વધતા આતંકને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામ જનોએ તંત્રને તાત્કાલિક આવા શ્વાનોને પકડી યોગ્ય કાર્યવાહી કરવા અને લોકોને સુરક્ષા આપવા માંગ કરી છે.
