ખેડુતોની સરકાર પાસે સહાય પેકેજની માંગ રાજુલા-જાફરાબાદમાં 36 કલાકના વરસાદથી હાહાકાર : ખેડુતો પાયમાલ : કરોડોનું નુક્શાન


રસ્તા તુટ્યા, એસટી બસ બંધ, મીઠાના અગરોને દરિયામાં બોટોને નુક્શાન

રાજુલા-જાફરાબાદ પંથકમાં છેલ્લા 36 કલાકથી ધીમી ધારે વરસાદ વરસતા સરકારી ચોપડે 11 ઈંચ વરસાદ નોંધાયો છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં આનાથી વધુ વરસાદ પડ્યો હોવાનું સ્થાનિકોનું કહેવું છે. ભારે વરસાદના કારણે ખેડૂતો, સરકારી રસ્તાઓ અને દરિયાકાંઠાના લોકોને ભારે નુકસાન થયું છે.
સિચાઈ વિભાગના નાના ડેમ અને તળાવો તૂટતા ખેતરોમાં પાણી ભરાયા છે. ઘણા ખેડૂતોનું કહેવું છે કે 60% ખેડૂતોએ કપાસનું એડવાન્સ વાવેતર કર્યું હતું. 36 કલાક સુધી ખેતરોમાંથી પાણી ન નીકળતા વાવેલો પાક સંપૂર્ણ સુકાઈ ગયો છે. હવે 50% ખેડૂતોને ફરી વાવણી કરવાની ફરજ પડશે. બળદો ન હોવાથી મીની ટ્રેક્ટર ભાડે લઈને વાવણી કરવી પડશે. ઘણા ખેતરો ધોવાઈ ગયા છે અને રસ્તા તૂટી જવાથી ખેતરોમાં જવું પણ મુશ્કેલ બન્યું છે. ખેડૂત અગ્રણી મોહનભાઈ ગેડિયાએ સરકાર પાસે બીજી વાર વાવણી માટે સહાય પેકેજની માંગ કરી છે.
ગ્રામ્ય વિસ્તારના 10 જેટલા રસ્તાઓ સંપૂર્ણ તૂટી જતા એસટી સેવા બંધ કરવી પડી છે. ગ્રામ્ય પીડબલ્યુડીના કાર્યપાલક ઈજનેર પટેલના જણાવ્યા મુજબ 14 રસ્તાઓને નુકસાન થયું છે અને તેના રીપેર માટે અંદાજે 50 લાખથી વધુનો ખર્ચ થશે.
સાસ બંદરના માજી સરપંચ કાનજીભાઈના કહેવા મુજબ વિક્ટર, ભેરાઈ, જાફરાબાદ, વાપરીયા, ખેરા સહિતના અગરોમાં મીઠાના ઢગલા ધોવાઈ ગયા છે. વેચાણની કામગીરી પૂર્ણ ન થઈ હોવાથી લાખો રૂપિયાનું નુકસાન અગરિયાઓને થયું છે.
ધારાબંદર કાંઠે દરિયાનું પાણી હલેસા મારતા આવતા અનેક બોટોને નુકસાન થયું છે. સાગરપુત્ર આગેવાન કનૈયાલાલે જણાવ્યું કે ડૂબેલી 6 જેટલી બોટો સૈયદ રાજપરા ગામની છે.
પીજીવીસીએલના નાયબ કાર્યપાલકે જણાવ્યું કે રાજુલા સીટી, ગ્રામ્ય અને જાફરાબાદમાં થાંભલા અને ટ્રાન્સફોર્મર પડતા અંદાજે 75 લાખનું નુકસાન થયું છે. હાલ તમામ ગામોમાં વીજ પુરવઠો શરૂ કરી દેવામાં આવ્યો છે.
નગરપાલિકા પ્રમુખના પ્રતિનિધિ મયુર દાદાએ જણાવ્યું કે શહેરમાં રોડ તૂટ્યા છે અને સોસાયટીઓમાં પાણી ભરાયા છે. પાણી સુકાયા બાદ મોરમ પાથરવાની કામગીરી કરવામાં આવશે. ગટર અને નાળા સાફ કરવાનો ખર્ચ પણ લાખોમાં થશે.

રિલેટેડ ન્યૂઝ