ખંભાળિયામાં ગત સપ્તાહમાં થયેલી એક વેપારી આધેડની કરપીણ હત્યા તથા લૂંટના બનાવમાં ખંભાળિયા પોલીસે વધુ એક શખ્સને દબોચી લઈ, વધુ વિગત પણ પ્રકાશ પાડ્યો છે.
આ સમગ્ર ઘટના સંદર્ભે પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ખંભાળિયામાં રહેતા અને શાકભાજીનો વ્યવસાય કરતા તથા ખૂબ જ મોટી માત્રામાં કિંમતી સોનું પહેરવાનો શોખ ધરાવતા આસીફભાઈ ઓસમાણભાઈ લાખા નામના મુસ્લિમ આધેડને અહીંના વિરમદળ માર્ગ પર લઈ જઈ અને બોથડ તેમજ તીક્ષણ પદાર્થ વડે બેફામ માર મારી તેમની કરપીણ હત્યા નિપજાવવાના પ્રકરણમાં પોલીસે તુરત જ મૃતકના પરિચિત એવા હાજા ભારમલ આસાણી નામના એક શખ્સની અટકાયત કરી, આશરે રૂપિયા સાડા 28 લાખની કિંમતના સોનાના દાગીના સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ પ્રકરણમાં કાયદાથી સંઘર્ષિત એક કિશોર પણ સંડોવાયેલો હોવાનું ખુલવા પામ્યું હતું.
આ પ્રકરણમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ અહીંના ડીવાયએસપી મીત રુદલાલના માર્ગદર્શન હેઠળ ખંભાળિયા પોલીસ મથકના તપાસનીસ અધિકારી પી.આઈ. સી.આર. રાણાની વધુ તપાસ દરમિયાન આ બનાવમાં ગુનાને અંજામ આપ્યા બાદ લાશને સગેવગે કરવા તથા પુરાવાનો નાશ કરવામાં મદદગારી કરવાની જવાબદારી લેવા સબબ અત્રે પોરબંદર રોડ ઉપર આવેલી ગુલાબનગર ટેકરી વિસ્તારના રહીશ રવિ સુરાભાઈ ગમાણા નામના શખ્સની અટકાયત કરી, પોલીસે ગુના માટે ઉપયોગમાં લેવામાં આવેલો એક મોબાઈલ ફોન અને એક મોટરસાયકલ પણ કબજે લીધું છે.
આ સમગ્ર કાર્યવાહી પી.આઈ. સી.આર રાણા. પી.એસ.આઈ. જે.ડી. ચાવડા, એ.એસ.આઈ. હેમતભાઈ નંદાણીયા, હરપાલસિંહ જાડેજા, પ્રવીણભાઈ ગોજીયા, કનુભાઈ ચાવડા, વિરેન્દ્રસિંહ નટુભા જાડેજા, જેઠાભાઈ પરમાર, સામતભાઈ ગઢવી, કાનાભાઈ લુણા, ભુપેન્દ્રસિંહ જાડેજા અને અરજણભાઈ આંબલીયાની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
