ભાણવડ નજીક કારમાં દેશી દારૂની ખુલ્લેઆમ હેરાફેરી; બુટલેગર ફરાર

પોલીસે રૂ.1.20 લાખની કિંમતનો 600 લીટર દારૂ મળી રૂ. 3.20 લાખનો મુદામાલ કબ્જે કર્યો

ભાણવડ વિસ્તારમાં ગત રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ ભરીને નીકળેલી એક કારને આડશની મદદથી અટકાવી, ચેકિંગ કરતા આ કારમાંથી આશરે રૂપિયા સવા લાખ જેટલી કિંમતનો દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ અહીંના ડીવાયએસપી મીત રૂદલાલના વડપણ હેઠળ ભાણવડ પોલીસ મથકના પી.આઈ. વી.કે. કોઠીયા તેમજ તેમને ટીમ દ્વારા ગઈકાલે રાત્રિના સમયે નાઈટ પેટ્રોલિંગ કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન સ્ટાફના કિશોરસિંહ જાડેજા, નારણભાઈ બેલા, જીતુભાઈ જામ, યોગરાજસિંહ ઝાલા અને લાલાભાઈ ખાટલીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભાણવડ નજીકના દુધેશ્વર મહાદેવ મંદિર પાસેથી નીકળેલી જી.જે. 12 ઝેડ 4006 નંબરની એક સ્વિફ્ટ મોટરકારને પોલીસે ફિલ્મી ઢબે અટકાવી, ચેકિંગ કરતા આ મોટરકારમાંથી દેશી દારૂ ભરેલા કોથળા મળી આવ્યા હતા. જો કે આ પોલીસ કામગીરી દરમિયાન કારનો ચાલક નાસી છૂટ્યો હતો.
આ સમગ્ર પ્રકરણમાં પોલીસે રૂપિયા 1,20,000 ની કિંમતનો 600 લિટર દેશી દારૂ તેમજ રૂપિયા 2,00,000 ની કિંમતની સ્વીફ્ટ મોટરકાર મળી કુલ રૂ. 3,20,000 નો મુદ્દામાલ કબજે કરી, આગળની કાર્યવાહી કરી હતી.આ સમગ્ર કામગીરી ભાણવડ પોલીસ મથકના પી.આઈ. વિપુલ કોઠીયા તેમજ સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઈ. દિવ્યરાજસિંહ જાડેજા, કિશોરસિંહ જાડેજા, નારણભાઈ બેલા, જીતુભાઈ ગઢવી, યોગરાજસિંહ ઝાલા અને લાલાભાઈ ખાટલીયા દ્વારા કરવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ