આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં તોફાની વરસાદનું યલો એલર્ટ

સુરતના અંબિકા તાલુકામાં 19, તાપીના ડોલવાણ અને નવસારીના વાંસદામાં 14-14 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ

પાલિતાણામાં અઢી, ઘોઘલામાં બે, સાવરકુંડલામાં એક ઈંચ વરસાદ

સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લામાં અધિકારીઓ એલર્ટ મોડમાં : હેડક્વાર્ટર નહીં છોડવા સુચના

બંગાળની ખાડીમાં સર્જાયેલું ડીપ્રેશન મજબુત બનીને ગુજરાત તરફ આગળ વધ્યું છે. શુક્રવાર અને શનિવારે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ સાથે 40થી 60 કિલોમીટરની ઝડપે પવન ફુંકાવાની આગાહી હવામાન વિભાગે કરી છે. શુક્રવારે રાજ્યના 120 તાલુકામાં એક ઈંચથી 19 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. સુરતના અંબિકામાં 18.39, તાપીના હોલવાણમાં 13.58, નવસારીના વાંસદામાં 13.23, ભરૂચના નેત્રાંગમાં 12.36 ઈંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. શનિવારે ગાંધીનગર, પંચમહાલ, દાહોદ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો બીજી તરફ સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી વચ્ચે પાલીતાણામાં અઢી, ઘોઘામાં બે અને સાવરકુંડલામાં એક ઈંચ વરસાદ વરસ્યો છે.
રાજ્યના હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આગામી સાત દિવસ ભારે વરસાદ વરસશે. હાલમાં સક્રિય ડીપ ડિપ્રેશનની તિવ્રતા ઘટીને તે ડિપ્રેશનમાં પરિવર્તત થયું છે. અને પશ્ર્ચિમ-ઉત્તર પશ્ર્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. થોડા સમય બાદ આ ડિપ્રેશન વેલમાર્ક લો-પ્રેશર વિસ્તારમાં ફેરવાશે.
શુક્રવારે રેડ એલર્ટની આગાહી વચ્ચે સવારના 6થી રાત્રીના 8 વાગ્યા સુધીમાં 120 તાલુકામાં સૌથી વધુ સુરતના અંબિકા તાલુકામાં 19 ઈંચ, તાપીના ડોલવાણ અને નવસારીના વાંસદામાં 14-14 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે 5 તાલુકામાં 10થી 13 ઈંચ તથા 30 તાલુકામાં 5થી 9 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં શુક્રવારે આખો દિવસ મેઘાડંબર વચ્ચે અઢી ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. કચ્છ જિલ્લાના રાપર અને ભચાઉમાં શુક્રવારે મોડી સાંજે તોફાની પવન સાથે વરસાદ વરસતા થોડીવાર માટે વીજપુરવઠો ખોરવાયો છે. જ્યારે રાપરમાં વરસાદ ખાબકતા મેઈન બજારમાં રસ્તા પર પાણી વહેવા લાગ્યા હતાં. કચ્છમાં અનેક જગ્યાએ વરસાદ વરસ્યો હતો.
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં શનિવારે તોફાની વરસાદની આગાહી સાથે જ વહીવટી તંત્ર સુસજ્જ બન્યું છે. તમામ જિલ્લાના કલેક્ટરો દ્વારા બેઠક બોલાવી વરસાદની સ્થિતિ ઉપર નજર રખાઈ રહી છે. અધિકારીઓની રજા રદ કરી હેડક્વાટર નહીં છોડવા સુચના આપી દેવામાં આવી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના મોટા ભાગના જિલ્લામાં આવેલી શાળામાં આજે રજા જાહેર કરી દેવાઈ છે.
ભાવનગર શહેર અને જિલ્લામાં ભારે વરસાદની આગળ વચ્ચે સવારથી જ વરસાદી માહોલ હતો. સવારે તેમની ભારે વરસાદ શરૂ થયા બાદ બપોરે વરસાદની તીવ્રતા વધી હતી . જિલ્લાના પાલીતાણામાં સાંજ સુધીમાં અઢી ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. હજુ પણ વરસાદી માહોલ હોય રાત્રે વરસાદ વધુ પડવાની સંભાવના છે શુક્રવારે આજે સવારના છ થી સાંજના છ દરમ્યાન પાલિતાણા માં 59 મી.મી., ઘોઘા માં 44 મી. સિહોર માં 26 મી.મી., જેસરમાં 23 મી.મી., ભાવનગર શહેરમાં 19 મી.મી., તળાજામાં 18 મી.મી., મહુવામાં 18 મી.મી.,ગારીયાધારમાં 15 મી.મી ., વલ્લભીપુર અને ઉમરાળા તાલુકામાં 6-6 મી.મી. વરસાદ પડ્યો છે. ભાવનગર શહેર સહિત સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ તેમજ ભારે વરસાદની આગાહી હોય હજુ વરસાદ પડવાની સંભાવના છે.
સાવરકુંડલા શહેર અને તાલુકામાં શુક્રવાર, 31 જુલાઈના રોજ દિવસભર વરસાદી માહોલ રહ્યો હતો. સવારથી સમયાંતરે વરસાદ વરસતો રહ્યો હતો અને દિવસ દરમિયાન શહેર તથા તાલુકાના વિવિધ વિસ્તારોમાં અંદાજે એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે.
જ્યારે રાજુલા અને જાફરાબાદ પંથકમાં વરસાદી માહોલ છવાયો હતો. રાજુલા-જાફરાબાદ શહેર સહિત સમગ્ર ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. ત્યારબાદ ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. રાજુલા પંથકના ડુંગર, માંડળ, મોરંગી, કુંભારીયા, દેવકા, વિક્ટર, છતડીયા અને હિંડોરણા સહિતના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. લાંબા સમયના વિરામ બાદ વરસાદના પગલે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

જામનગરના હાપા યાર્ડમાં આજથી નવી જણસીની આવક બંધ
હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેને ધ્યાનમાં રાખીને જામનગરના માર્કેટ યાર્ડમાં આજે રાતથી નવી જણસીની આવક બંધ કરવામાં આવી છે. હવામાન ખાતા ની અતિ ભારે વરસાદ ની આગાહી હોવા થી તમામ જણસીઓ ની આવક તારીખ 31 જુલાઈ 2026 અને શુક્રવાર રાત્રે 12 વાગ્યા થી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી બંધ રહેશે .અને જ્યારે તમામ જણસો ની નવી આવક ચાલુ કરવા ની થશે ત્યારે મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે .જો.કે શનિવારે રાબેતા મુજબ હરાજી ચાલુ રહેશે.તેમ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ( હાપા માર્કેટ યાર્ડ)ના સેક્રેટરી ની યાદી માં જણાવાયું છે.

રિલેટેડ ન્યૂઝ