દાત્રાણા ગામે વાવેતર મુદે હુમલો કલ્યાણપુરમાં ખાનગી કંપનીના પ્લાન્ટમાંથી કેબલની ચોરી

કલ્યાણપુરથી આશરે 21 કિલોમીટર દૂર બતડીયા ગામ નજીક એક ખાનગી કંપનીના સોલર પ્લાન્ટમાંથી અલગ અલગ સમયે કોઈ અજાણ્યા તસ્કરોએ કંપનીના કમ્પાઉન્ડમાં અપ પ્રવેશ કરી, અને અહીં રાખવામાં આવેલા જુદા જુદા પ્રકારના કુલ રૂ. 1,57,000 ની કિંમતના 10,500 મીટર કેબલ વાયર ચોરી કરીને લઈ ગયા હોવાનો બનાવ કંપની કર્મચારી કમલેશભાઈ દેશુરભાઈ ડેર દ્વારા કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવ્યો છે. જે અંગે પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે બી.એન.એસ.ની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. કે.પી. ઝાલા દ્વારા હાથ ધરવામાં આવી છે.
ખંભાળિયા તાલુકાના દાત્રાણા ગામના વાડી વિસ્તારમાં રહેતા નથુભાઈ મેરામણભાઈ ચાવડા નામના 50 વર્ષના યુવાને તેમના કાકા- મોટાબાપુના ભાઈઓ એવા પરબત રામ ચાવડા, કાના જેઠા ચાવડા, હાજા નારણ ચાવડા, નીતિન કાના ચાવડા, કરસન કાના ચાવડા, અરજણ ખીમા ચાવડા, અને મશરી ખીમા ચાવડા નામના સાત શખ્સો સામે તેઓના દાદીમાંના ભાગે આવેલી 13 વીઘા જમીનમાં વાવેતર કરવા બાબતે બોલાચાલી, આરોપી શખ્સોએ ગેરકાયદેસર રીતે મંડળી રચીને કુહાડા તથા લાકડાના ધોકા વડે હુમલો કર્યાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
આ પ્રકરણમાં આરોપીઓએ બિભત્સ ગાળો કાઢી, ફરિયાદી તથા અન્ય સાહેદોને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું આ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. જેને અનુલક્ષીને પોલીસે બીએનએસ તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. વી.આર. વસાવા દ્વારા હાથ ધરવામાં આવી છે.
અજાણ્યા વૃદ્ધાનું મૃત્યુ
ખંભાળિયામાં રહેતા આશરે 60 વર્ષના એક વૃધ્ધ મહિલા અગાઉ કોઈ કારણોસર જમણા હાથમાં દાઝી જતા તેમને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં વધુ સારવાર અર્થે ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. મૃતક મહિલાના કોઈ વાલી – વારસદાર ન હતા અને તેઓ અસ્થિર મગજના હોવાનું અહીંના રામભાઈ કરસનભાઈ ભાચકન દ્વારા અહીંની પોલીસમાં જાહેર કરવામાં આવ્યું છે. જે અંગે પોલીસે જરૂરી નોંધ કરી, આગળની કાર્યવાહી કરી હતી.

રિલેટેડ ન્યૂઝ