કાલાવડમાં ખેડૂતોના પાકને બચાવવા ફોફળડેમ -2માં નર્મદાનું પાણી છોડાયું


ધારાસભ્ય, પૂર્વમંત્રી સહિતનાએ નર્મદાનીરના વધામણા કર્યા

કાલાવડ તાલુકા મા વરસાદ ખેંચાતા ખેડૂતોના મહામૂલા પાકને બચાવવા માટે ડાંગરવાડા, નાના વડાળા, માખા કરોડ, મેટીયા, ડેરી , ગુંદા સહિતના આસપાસના ગામોના ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાનું પાણી મળી રહે તે માટે સૌની યોજનાનો વાલ્વ ખોલાવવામાં આવ્યો હતો.
પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલ , ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા અને જામનગર જિલ્લા પંચાયત ના સિંચાઈ સમિતિ ના ચેરમેન અતુલભાઈ કમાણી ના પ્રયાસોથી સૌની યોજનામાંથી નર્મદાનું પાણી છોડાવવામાં આવતા ઉપરોક્ત ગામોના ખેડૂતોને મોટો લાભ થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. હાલ વરસાદ ખેંચાતા ખેતરમાં ઉભા પાકને પાણીની જરૂરિયાત ઊભી થઈ હતી ત્યારે નર્મદાનું પાણી મળવાથી ખેડૂતોને રાહત થશે.
આ પ્રસંગે નર્મદા જળ વ્યવસ્થાપન વિભાગના અધિકારી ભોજાણી ઉપરાંત જામનગર જિલ્લા પંચાયત સદસ્ય અતુલભાઈ કમાણી, કાલાવડ તાલુકા પંચાયત સદસ્ય ભાવેશભાઈ મારકણા, ડાંગરવાડા સરપંચ મુકેશભાઈ કાકડીયા, ઉપસરપંચ તથા પૂર્વ સરપંચ રામજીભાઈ કાકડીયા, ગામના આગેવાન મનસુખભાઈ કાકડીયા, નાના વડાળા સરપંચ સુરેશભાઈ ગોલતર , અગ્રણી શ્રી જીગ્નેશભાઈ સાવલીયા, રમેશભાઈ મારકણા સહિત આગેવાનો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ