જી.એમ.સી.સ્કુલમાં ડ્રગ અવેરનેસ સેમીનાર યોજાયો:નિષ્ણાતો દ્વારા વિદ્યાર્થીઓને અપાયું મહત્વનું માર્ગદર્શન
પોરબંદરની જી.એમ.સી. સ્કુલમાં નશીલા પદાર્થો સામે જનજાગૃતિ અભિયાન યોજાયુ હતુ. (તસ્વીર: જિજ્ઞેશ પોપટ)
પોરબંદરની જી.એમ.સી. સ્કુલમાં વિદ્યાર્થીઓને નશાથી દુર રહેવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
પોરબંદરની જી.એમ.સી. શાળામાં વિદ્યાર્થીઓમાં નશીલા પદાર્થોના દૂષ્પ્રભાવો અંગે જાગૃતિ લાવવા તથા તેમને વ્યસનમુક્ત, સ્વસ્થ અને જવાબદાર જીવન જીવવા પ્રેરિત કરવાના હેતુથી ડ્રગ અવેરનેસ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત ગૌરવ મીના વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારના નશીલા પદાર્થો, તેના શારીરિક, માનસિક, સામાજિક અને આર્થિક દૂષ્પ્રભાવો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે વ્યસન વ્યક્તિના જીવન, પરિવાર અને સમગ્ર સમાજ પર ગંભીર અસર કરે છે. વિદ્યાર્થીઓએ ખોટી સંગતથી દૂર રહી શિક્ષણ, સંસ્કાર અને સારા મૂલ્યોને જીવનમાં અપનાવવા જોઈએ તેવો સંદેશ પણ આપ્યો. વક્તાએ વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ વધારવા, યોગ્ય મિત્રવર્તુળ પસંદ કરવા, મુશ્કેલીના સમયમાં માતા-પિતા અને શિક્ષકોનું માર્ગદર્શન મેળવવા તેમજ કોઈપણ પ્રકારના વ્યસનથી દૂર રહેવા માટે પ્રેરણા આપી. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ ખૂબ જ રસપૂર્વક ભાગ લીધો અને વ્યસનમુક્ત જીવન જીવવાનો સંકલ્પ કર્યો હતો.કાર્યક્રમના અંતે મુખ્ય વક્તાનો સ્કૂલના પ્રિન્સિપાલ મનોજ પરમાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો. આ સેમીનાર વિદ્યાર્થીઓ માટે ખૂબ જ જ્ઞાનવર્ધક, પ્રેરણાદાયી અને ઉપયોગી સાબિત થયો તથા વ્યસનમુક્ત સમાજના નિર્માણ તરફ એક મહત્વપૂર્ણ પગલું બન્યું છે.
