પોરબંદરના ગ્રામ્ય પંથકમાં સ્નાયુ તુટવાની ગંભીર બીમારીનો ભોગ બનેલા યુવાનને મળ્યુ નવું જીવન

ખેતરમાં ઘુસેલા પશુઓને કાઢવા બે-ત્રણ કિલોમીટર ફૂલસ્પીડે દોડયો ત્યારે કીડની ફેલ થવાની સાથે યુરીનમાં પ્રોટીનનું આવ્યુ હતુ પુષ્કળ પ્રમાણ રહેબ્ડોમાયો લાયસીસ નામની બીમારી હોવાનું નિદાન થયા બાદ આશા ક્રિટિકલ કેર યુનિટ ખાતે જીવલેણ બીમારીમાંથી બચાવી લેવાયો

પોરબંદરના ગ્રામ્યપંથકનો એક યુવાન અજાણતા જ સ્નાયુ તૂટવાની ગંભીર બીમારીનો ભોગ બન્યો હતો. જેનું સમયસર નિદાન અને સારવાર થતા આશા ક્રિટિકલ કેર યુનિટ ખાતે તેને નવુ જીવન મળ્યુ છે.
સામાન્ય બીમારીની કરાવી હતી સારવાર
તાજેતરમાં જ ગ્રામ્યપંથકનો એક 28 વર્ષનો ખેડૂત યુવાન સ્નાયુ દુ:ખવા, ઉલ્ટી થવી અને તાવ સાથે જનરલ પ્રેકટીશનર ડો. પ્રશાંત રાજ્યગુરૂ પાસે પહોંચતા તેમણે તેને તત્કાલ આશા ચિલ્ડ્રન હોસ્પિટલમાં કાર્યરત આશા ક્રિટિકલ કેર મોકલી આપ્યો હતો. પોરબંદરના એકમાત્ર ક્રિટિકલ કેર નિષ્ણાંત ડો. હાર્દિક મહેતા તથા તેની ટીમ દ્વારા આઠ દિવસની જહેમત પછી બહુ સામાન્ય ખર્ચ સાથે એ સામાન્ય આર્થિક સ્થિતિના યુવાન દર્દીને અતિ ક્રિટિકલ જીવલેણ બીમારીમાંથી સ્વસ્થ કરી આ ક્ષેત્રમાં વધુ એક યશકલગી ઉમેરી છે.
ઝીણવટભરી તપાસ અને નિદાન
દર્દીને ઉંડાણથી પૂછતા તેણે જણાવ્યું હતુ કે એ પોતાના ખેતરમાં ઘુસેલ પશુઓને કાઢવા માટે બે-ત્રણ કિ.મી. સતત અને ગતિથી દોડયો હતો. તેને યુરિન તથા બ્લડ ચેક કરતા કીડની ફેઇલ થઇ હતી અને યુરીનમાં પ્રોટીન પુષ્કળ પ્રમાણમાં આવતા રહેબ્ડોમાયોલાયસીસનું નિદાન થયુ હતુ. સોનોગ્રાફી તથા અન્ય રીપોર્ટ પણ આ નિદાનને આધાર આપતા હતા.
રહેબ્ડોમાયોલાયસીસ જીવલેણ બીમારી
ભારતમાં તથા અન્ય ટ્રોપીકલ દેશોમાં આ રોગ અતિશય શારીરિક શ્રમ કરવાથી, પાણી ઓછું લેવાથી અને ઉષ્મ વાતાવરણમાં થાય છે.શરીરના સ્નાયુ તુટવા માંડે છે અને તેમાં રહેલુ પ્રોટીન લોહીમાં પરિભ્રમણ કરવાથી કીડનીમાં નુકશાન શરૂ થાય છે. પેશાબ કોકાકોલા કે બ્લેક ચા જેવા કલરનો અને ઓછો આવેછે., દર્દીને થાક, દુ:ખાવો અને અસહ્ય નબળાઇ લાગે છે. ત્વરાથી યોગ્ય નિદાન તથા સારવાર ન થાય તો 10 ટકા કરતા વધુ મૃત્યુ થાય છે. અન્ય દેશોમાં વધુ પડતા ડ્રગ્સના સેવનથી કે ખાસ જાતના તાવને લીધે પણ ઓછી ગંભીરતા સાથે આ રોગ થઇ શકે છે.
ક્રિકેટર તિલક વર્મા માંડમાંંડ બચ્યો
2022માં બાંગ્લાદેશ સામેની સીઝનમાં તિલકવર્મા સદીની નજીક પહોચ્યા ત્યારે તેમને આ ગંભીર રોગ થયો હતો ત્યારે આકાશ અંબાણીએ જય શાહને ખાસ ભલામણ કરી તત્કાલ સારવારની વ્યવસ્થા કરેલી અને માંડમાંડ જિંદગી બચી શકી હતી એવુ તેમણે એક ઇન્ટરવ્યુમાં કહયુ છે.
આશા ક્રિટિકલ કેર યુનિટ- માનવતાને વરેલુ યુનિટ
છેલ્લા બે વર્ષથી કાર્યરત આશા ક્રિટિકલ કેર યુનિટ સંપૂર્ણપણે માનવતાના ધોરણે સર્વને પરવડે તેવા ખર્ચથી ગંભીર બીમારીની સારવાર કરે છેે. ડો. હાર્દિક મહેતા અને ડો. સ્મીતાબહેન એમની સૂઝબૂઝ તથા નોલેજથી ખૂબજ જટિલ કેઇસ સાજા કરી નવજીવન આપે છે.રહેબ્ડોમાયોલાયસીસ કે સ્નાયુ તુટવાની ગંભીર બીમારી બાબતમાં તેમણે જણાવ્યું છે કે અતિશય જીમની કસરત, દેખાદેખીથી વધુ પડતો શારીરિક શ્રમ, શરીરમાં પાણીની ખોટ(ડીહાઇડ્રેશન) અને વાયરલ તાવની અવગણના યુવાનોને આ ગંભીર જીવલેણ તબબકા સુધી ધકેલી દે છે. એ પછીની સારવાર ઘણી લાંબી ચાલે છે અથવા અસફળ રહી શકે છે.
આવી જવલ્લે જ જોવા મળતી, નિદાન થતી પણ ખૂબજ ઘાતક સ્ટેજ પર પહોચેલ ખેડૂત યુવાનને બહુ મામુલી ખર્ચ સાથે માનવતાસભર ઉત્કૃષ્ટ સારવાર પૂરી પાડવા માટે શહેરી અગ્રજન તથા ડોકટર મિત્રોએ હૃદયથી અભિનંદન આપ્યા હતા તથા સરાહના કરી હતી અને ડોકટરને તથા આખી ટીમને બિરદાવી હતી.

રિલેટેડ ન્યૂઝ