હોર્મુઝમાં ફરી તણાવ:ઈરાને બે જહાજ પર મિસાઈલો ઝીંકી

ખામેનેઈના અંતિમ સંસ્કાર પર ટ્રમ્પનાં ’વીક ઓફ’ વાળા કટાક્ષથી ઈરાન ભડક્યું?

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલાં યુદ્ધ વચ્ચે વ્યુહાત્મક રીતે અત્યંત મહત્વની હોર્મુઝની સામુદ્રધુનીમાં સ્થિતિ વધુ વણસી છે. અમેરિકી અધિકારીઓના સત્તાવાર અહેવાલો મુજબ, ઈરાનના ’રિવોલ્યુશનરી ગાર્ડ્સ’ દ્વારા આ આંતરરાષ્ટ્રીય જળમાર્ગ પરથી પસાર થઈ રહેલાં કોમર્શિયલ જહાજો પર બે મિસાઈલો ફાયર કરવામાં આવી છે. આ મિસાઈલ હુમલાને કારણે ઓમાનના દરિયાકાંઠા નજીકથી પસાર થઈ રહેલાં એક મોટા ઓઈલ ટેન્કરની ડાબી બાજુએ ગંભીર નુકસાન થયું છે અને જહાજમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આ હુમલાને પગલે અમેરિકા અને ઈરાન વચ્ચે તાજેતરમાં જ થયેલી દરિયાઈ શાંતિ સમજૂતી જોખમમાં મુકાઈ ગઈ છે. આ સૈન્ય કાર્યવાહી પાછળ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું એક વિવાદિત નિવેદન જવાબદાર માનવામાં આવે છે. ઈરાનના દિવંગત સર્વોચ્ચ નેતા આયાતોલ્લા અલી ખામેનેઈના અંતિમ સંસ્કાર માટે કતારની મધ્યસ્થતાથી બંને દેશો વચ્ચે એક અઠવાડિયા માટે હુમલા રોકવાની વચગાળાની સમજૂતી થઈ હતી જે બાદ ટ્રમ્પે કટાક્ષ કર્યો હતો કે, “અમે સારા છીએ એટલે અમે ખામેનેઈના અંતિમ સંસ્કાર માટે ઈરાનને ’એક અઠવાડિયાની રજા’ આપી હતી”. ટ્રમ્પનાં આ ટોણા બાદ તરત જ ઈરાને આકરો પલટવાર કરીને મિસાઈલ હુમલા શરૂ કરી દીધાં છે અને ઈરાનના લોકો ટ્રમ્પને મોતની સજા આપવાની માંગ પણ કરી રહ્યાં છે. બીજી તરફ, આ હુમલા અંગે ઈરાનના સરકારી ટેલિવિઝને સ્વીકાર્યું છે કે સામુદ્રધુનીમાં કતારના એક લિક્વિફાઇડ નેચરલ ગેસ (કગૠ) ટેન્કરે તેમની સૈન્ય ચેતવણીઓ અને નિયમોને નજરઅંદાજ કર્યા હતાં, જેનાં કારણે તેની સામે આ જવાબી કાર્યવાહી કરવામાં આવી છે.
વાસ્તવમાં, ઈરાને તાજેતરમાં જ કડક ચેતવણી આપી હતી કે આ જળમાર્ગ પરથી પસાર થતાં તમામ તેલ ટેન્કરોએ માત્ર તેમનાં દ્વારા માન્ય રસ્તાઓનો જ ઉપયોગ કરવો પડશે. નિયમો ભંગ કરનાર જહાજો સામે તેમની સેના તાત્કાલિક કડક પગલાં લેશે અને તેમાં જો અમેરિકી લશ્કર હસ્તક્ષેપ કરશે તો તેને એક કલાકમાં તેમનાં પુલો તોડી પાડીને નિર્ણાયક જવાબ અપાશે તેવી ધમકી પણ અપાઈ છે. બ્રિટિશ સેનાના યુનાઈટેડ કિંગડમ મેરિટાઇમ ટ્રેડ ઓપરેશન્સ (ઞઊંખઝઘ) સેન્ટરે આ વિસ્તારમાંથી પસાર થતાં તમામ જહાજોને અત્યંત સાવધાની રાખવા અને કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિની તુરંત જાણ કરવા એલર્ટ જાહેર કર્યું છે. જો કે, રાહતની વાત એ છે કે આજનાં મિસાઈલ હુમલાથી દરિયાઈ પર્યાવરણને કોઈ નુકસાન પહોંચ્યું નથી અને કોઈ જાનહાનિના અહેવાલ નથી. હાલમાં અમેરિકા આ હુમલાનો વળતો જવાબ આપે તેવી પૂરેપૂરી શક્યતા છે, જેના કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના આ સૌથી મહત્વનાં સપ્લાય રૂટ પર યુદ્ધનાં વાદળો વધુ ઘેરા બન્યાં છે.

રિલેટેડ ન્યૂઝ