સાઉદી અરેબીયાએ એલપીજી 41% મોંઘો કરતા હવે ગેસના ભાવમાં પણ આગ લાગશે
ક્રુડતેલ-ગેસની આયાત મોંઘી: વેચાણ ભાવ પર દબાણ: વર્ષભરની સબસીડી છ માસમાંજ વપરાઈ ગઈ: પેટ્રોલ-ડીઝલ-ગેસના ભાવમાં વધારો થવા પર ચિંતા ફરી વધી
નવી દિલ્હી: અમેરિકા-ઈરાન વચ્ચે ફરી ભયંકર યુદ્ધ શરૂ થવાનો સંકેત તથા હોર્મુઝ બાદ રેડ-સી જળમાર્ગ પણ હુથી સંગઠન દ્વારા સાઉદી અરેબીયાના ઓઈલ ટેન્કર બાદ તેલ ક્ષેત્રો તથા છેક રીયાધ એરપોર્ટને પણ નિશાન બનાવતા આ કટોકટી વકરી છે તથા હવે ફુડ બાદ ગેસના ભાવમાં પણ વધારો થયો છે તો મોંઘુ ક્રુડતેલ-ગેસ આયાતના કારણે પેટ્રોલ-ડીઝલ તથા એલપીજી વેચાણમાં ઓઈલ કંપનીઓની અન્ડર રિકવરી- (વેચાણભાવ-ખોટ) રૂા.62000 કરોડ નોંધાતા હવે સરકાર માટે પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં વધારો કરવાનું જરૂરી બની ગયું હોવાના સંકેત છે. ખાસ કરીને ઓઈલ માર્કેટીંગ કંપનીઓ સીએનજીના ભાવનો આંતરરાષ્ટ્રીય ભાવ મુજબ સતત- ચોકકસ સમયાંતરે વધારે છે તો કોમર્શિયલ એલપીજીની કિંમત પણ દર મહિને સમીક્ષા કરી વધઘટ કરે છે. પણ હવે સાઉદી અરેબીયા- એલપીજીના ભાવ 625 ડોલર પ્રતિ મેટ્રીક ટનથી વધારી 660 ડોલર પ્રતિ મેટ્રીક ટન કરી દીધા છે અને તેનાથી એલપીજીના ઘરઆંગણાના ભાવમાં વધારો નિશ્ર્ચિત છે. હાલ તો જાહેર ક્ષેત્રની ઓઈલ માર્કેટીંગ કંપનીઓની ઓગષ્ટ માસના અંતની અન્ડર રિકવરી રૂા.62000 કરોડ થઈ છે. ભારત તેની આવશ્યકતાના 60% એલપીજી આયાત કરે છે. હાલમાં અમેરિકા પાસેથી એલએનજી આયાત વધારી છે પણ શિપીંગ-વિમા ખર્ચમાં મોટો વધારો થયો છે. તેમાં સાઉદી અરેબીયાએ એલપીજીના ભાવ 41% વધારી દીધા છે. ખુદ સાઉદી અરેબીયા યુદ્ધના કારણે ભારે આફતમાં છે અને રશિયા પર યુક્રેનના ભીષણ હુમલાએ આ દેશની ઓઈલ રિફાઈનરીઓને ભારે નુકશાન પહોંચાડયું છે અને યુરોપના દેશોએ ગેસ આયાતમાં રશિયા પરની નિર્ભરતા અત્યંત ઘટાડી છે તેથી અન્ય બજારો પર દબાણ છે તે સમયે બજારની અનિશ્ર્ચિતતા એ ઓઈલ માર્કેટીંગ કંપનીઓની ચિંતા વધારી છે. સરકારે હાલ તો એલપીજીમાં ઓઈલ માર્કેટીંગ કંપનીઓને થતી ખોટ પુરવા રૂા.22000 કરોડની સબસીડી આપી છે પણ દરેક પેટ્રો ઉત્પાદનોમાં સરકારનો સબસીડી ખર્ચ વધતો જાય છે. 2026-27ના વર્ષ માટે સરકારે સબસીડી જોગવાઈ રૂા.30000 કરોડ કરી છે પણ તે કયારથી ઉપયોગમાં આવી ચુકી છે. દેશમાં એલપીજી ઉત્પાદન વધારવા પણ સરકારે મોટો ખર્ચ કર્યો છે. જેના કારણે ઘરેલુ ઉત્પાદન 25% વધ્યુ છે પણ તે દેશની જરૂરિયાત પુરી કરવામાં બહું ઓછી ભૂમિકા ભજવે છે.
