કિંમતોમાં તીવ્ર ઉછાળાનો લોકોએ ફાયદો ઉઠાવ્યો, સરેરાશ ગોલ્ડ લોન બે લાખ થઈ

સોનાની ચમકથી ત્રણ વર્ષમાં ગોલ્ડ લોનની રકમ બમણી

સોનાની કિંમતોમાં આવેલી ભારે તેજીનો ભારતીયોએ ભરપૂર ફાયદો ઉઠાવ્યો છે. નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન સોનું ગીરો મૂકીને લેવામાં આવેલી લોનની પ્રતિ વ્યક્તિ સરેરાશ રકમ 39 ટકા વધીને 1.96 લાખ રૂપિયા પર પહોંચી ગઈ છે, જે માત્ર ત્રણ વર્ષ પહેલાં (નાણાકીય વર્ષ 2022-23) 98,000 રૂપિયા હતી. એટલે કે આ સમયગાળામાં લોકોએ બમણી લોન લીધી છે.
ક્રેડિટ માહિતી પૂરી પાડતી કંપની ’એક્સપેરિયન ઇન્ડિયા’ ના તાજેતરનાં અહેવાલ મુજબ, માર્ચ 2024 થી માર્ચ 2026 વચ્ચે સોનાની કિંમતોના સૂચકાંક (પ્રાઇસ ઇન્ડેક્સ) માં 144 ટકાની તેજી આવી. લોન લેનારા ગ્રાહકોનું સોનું હવે વધુ કિંમતી બની ચૂક્યું હોવાથી, બેંકો અને નાણાકીય કંપનીઓ તે જ સોનાનાં બદલામાં તેમને 200 ટકા સુધી વધુ લોનની રકમ મંજૂર કરી રહી છે. કુલ રિટેલ લોન (જેમ કે પર્સનલ લોન, કાર લોન વગેરે) ના બજારમાં પણ ગોલ્ડ લોનનો હિસ્સો છેલ્લા બે વર્ષમાં 20 ટકાથી વધીને 41 ટકા થઈ ગયો છે.
દેશમાં ગોલ્ડ લોનનો કારોબાર પણ ખૂબ જ ઝડપથી વધ્યો છે. આ માર્ચ 2023 ના 6.3 લાખ કરોડ રૂપિયાથી વધીને માર્ચ 2026 માં 19.4 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. બીજી તરફ, સોનાની વધતી કિંમતોને કારણે ત્રણ લાખ રૂપિયાથી વધુની ગોલ્ડ લોનનો હિસ્સો પણ સતત વધી રહ્યો છે.
નિષ્ણાતોનું કહેવું છે કે સોનાનાં રેકોર્ડબ્રેક ઊંચા ભાવે લોકોની ઉધાર લેવાની ક્ષમતા વધારી દીધી છે, કારણ કે હવે તે જ જથ્થાના સોના સામે પહેલાં કરતાં વધુ લોન મળી રહી છે. જોકે, આરબીઆઈએ ગોલ્ડ લોન સંબંધિત નિયમો વધુ કડક કર્યા છે, જેથી ઝડપથી વધી રહેલાં આ વ્યવસાયમાં જોખમ મર્યાદિત રહે. તેમ છતાં, ગોલ્ડ લોનમાં રેકોર્ડ તેજી જળવાઈ રહી છે.
લોન વહેંચવાની આ અંધાધૂંધ રફતાર છતાં રાહતની વાત એ છે કે ગ્રાહકો તરફથી છેતરપિંડી અથવા લોન ન ચૂકવવાના કિસ્સા ખૂબ જ ઓછા સામે આવ્યા છે. 90 દિવસથી વધુ સમય સુધી હપ્તો ન ચૂકવનારા કિસ્સા માર્ચ 2023 ના 0.4 ટકાથી ઘટીને માર્ચ 2026 માં માત્ર 0.2 ટકા રહી ગયા છે. આ દર્શાવે છે કે બજાર વધવાની સાથે-સાથે કંપનીઓ અને બેંકો સુરક્ષિત રીતે લોન આપી રહ્યાં છે.
રસપ્રદ વાત એ છે કે હવે લોકો ગોલ્ડ લોનને એક આદતની જેમ અપનાવી રહ્યાં છે. વર્ષ 2026 ના છેલ્લા ત્રિમાસિક ગાળામાં લગભગ 75 ટકા ગ્રાહકો એવા હતા, જેમણે પહેલા પણ ગોલ્ડ લોન લીધી હતી અને ફરીથી લોન લેવા આવ્યા હતા.
સાથે જ, હવે લોકો ખૂબ લાંબા સમય માટે નહીં, પરંતુ ઓછા સમય માટે લોન લઈ રહ્યા છે અને તેને ઝડપથી ચૂકવી પણ રહ્યા છે.
અહેવાલ મુજબ, સોનું ગીરો મૂકીને લોન લેવાનો ટ્રેન્ડ હવે માત્ર દક્ષિણ ભારત પૂરતો મર્યાદિત નથી રહ્યો. ઉત્તર અને પશ્ચિમ ભારતમાં પણ તેની માંગ ઝડપથી વધી રહી છે. નાણાકીય વર્ષ 2025-26 માં ઉત્તર પ્રદેશમાં ગોલ્ડ લોન 138 ટકા, પશ્ચિમ બંગાળમાં 112 ટકા, રાજસ્થાનમાં 105 ટકા અને મહારાષ્ટ્રમાં 102 ટકા વધી છે. આનાથી સંકેત મળે છે કે દેશભરમાં ગોલ્ડ લોનની સ્વીકાર્યતા વધી રહી છે. અહેવાલ અનુસાર, ભારતના ઘરોમાં ભારે માત્રામાં સોનું રાખવામાં આવેલું છે. ગોલ્ડ લોનની આ ઝડપી રફતાર પરિવારોને તેમની આ પરંપરાગત સંપત્તિને સરળ રોકડમાં બદલવામાં મદદ કરી રહી છે.

રિલેટેડ ન્યૂઝ